વિસાવદરના ભલગામમાં ટ્રસ્ટની જમીન માટે રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે મારામારી

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં આવેલી ટ્રસ્ટની જગ્યાના કેસ અંગેના મનદુ:ખના કારણે રાજકોટના સ્વામી તેમજ ટ્રસ્ટી સહિતનાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સ્વામી સહિત ત્રણ સામે…

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં આવેલી ટ્રસ્ટની જગ્યાના કેસ અંગેના મનદુ:ખના કારણે રાજકોટના સ્વામી તેમજ ટ્રસ્ટી સહિતનાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સ્વામી સહિત ત્રણ સામે પછાડી દઈ ધમકી આપ્યાની તેમજ સામા પક્ષે દંપતી સહિત ત્રણ સામે ફરિયાદ થતા વિસાવદર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મુળ બગસરા તાલુકા શાપરના અને હાલ ગાંધીનગરમાં રહેતા મુળજીભાઈ લવજીભાઈ વેકરીયા ભક્તિ સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટની વિસાવદર તાલુકાના ભલગામમાં જમીન આવેલી છે. ત્યાં મુળજીભાઈ અવાર-નવાર આવી રોકાણ કરે છે. આ જગ્યામાં રાજકોટ ગુરૂૂકુળના ચંદ્રપ્રકાશદાસજી ટ્રસ્ટી હતા. તેઓએ જગ્યાના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે જે ચેરીટી કમિશનરમાં મંજુર થવાની કાર્યવાહી ચાલુ છે. આ જગ્યા બાબતે વિસાવદર સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આજે બપોરે મુળજીભાઈ તથા તેના પત્ની ઈન્દુબેન તથા અમદાવાદના ધર્મેશ મણીલાલ શર્મા ભલગામ ખાતે આવ્યા હતા. ત્યાં રાજકોટના ચંદ્રપ્રકાશદાસ સ્વામી, અલ્પેશ બાબરીયા અને બાલુભાઈ હાજર હતા.

મુળજીભાઈ અને તેના પત્નીને જોઈ ચંદ્રપ્રકાશદાસે ગાળો આપી હતી અને ’ગૌશાળાની ચાવી અમને આપી દો’ તેમ કહી કોલર પકડી છાતીના ભાગે મુક્કા માર્યા હતા અને અલ્પેશ બાબરીયાએ બે થપ્પડ મારી હતી. મુળજીભાઈ સાથે રહેલા તેના મિત્ર ધર્મેશ શર્માએ વચ્ચે પડતા બાલુભાઈએ ગાળો આપી હતી. સ્વામીએ મુળજીભાઈ અને તેના પત્નીને ધક્કો મારી પછાડી દીધા હતા અને ’ફરી વખત ચાવી નહી આપે તો જીવતો નહી છોડીએ’ તેવી ધમકી આપી હતી. મુળજીભાઈએ 112 પર ફોન કરતા પોલીસ આવી હતી. આ અંગે મુળજીભાઈએ રાજકોટના ચંદ્રપ્રકાશદાસ સ્વામી, અલ્પેશ બાબરીયા અને બાલુભાઈ સામે ફરિયાદ કરી છે.

સામા પક્ષે અલ્પેશ ગોરધનભાઈ બાબરીયાએ મુળજીભાઈ, તેના પત્ની અને એક અજાણ્યા શખ્સ સામે ચંદ્રપ્રકાશ સ્વામી સાથે માથાકુટ કરી ગાળો આપી પાઈપ મારવાનો પ્રયાસ કરી ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ કરી છે. વિસાવદર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *