વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર આવેલા ડારી ટોલ બુથ ખાતે રવિવારે બપોરના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવે અને ટોલ બુથ ના કર્મચારીઓ વચ્ચે કારનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી હતી. આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, તપન દવે પોતાની કાર લઈને ટોલબુથ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહનનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાનું સ્ક્રીન પર દર્શાવતું હતું. આથી ટોલ કર્મચારીઓ વાહનને આગળ જવા દેવાની ઈનકાર કરીને રોક્યું હતું. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે દલીલો શરૂૂ થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. થોડી જ વારમાં વાતાવરણ તંગ બની જતા બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘટનાના થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલા ગુજરાત વિધાનસભા ના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ને આ અંગે જાણ થતાં તેઓ તુરંત ડારી ટોલ બુથ પર પહોંચ્યા હતા. તેમણે બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કરીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
તપન દવે દ્વારા પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 12 જેટલા ટોલબુથ કર્મચારીઓની પૂછપરછ માટે રાઉન્ડ અપ કર્યા છે.ટોલબુથ ના મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે ભાજપ નેતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ તપન દવે દ્વારા પણ ટોલ સ્ટાફ સાથે અત્યંત ઉગ્ર વર્તન કરીને બબાલ શરૂૂ કરવામાં આવી હતી. ટોલ મેનેજમેન્ટ દ્વારા પણ કર્મચારીઓ તરફથી અલગ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને પક્ષો પોતાની દલીલ રજૂ કરી રહ્યા હોવાથી સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. પોલીસે ટોલ બુથ પર લાગેલા ઈઈઝટ કેમેરાના ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરીને કાયદેસરની તપાસ શરૂૂ કરી છે.
