કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સ્થાનિકોના અધિકારોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના નાની ખાખર ખાતે આવેલી એક સ્થાનિક કંપની સામે ગ્રામજનો અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે. કંપનીની જોહુકમી અને તેનાથી થતા નુકસાન સામે આસપાસના વિસ્તારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ આક્રોશના ભાગરૂૂપે જ નાની ખાખર ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
આ આંદોલન માત્ર એક ગામ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેની ગંભીરતાને જોતાં આસપાસના 14 ગામોના પ્રતિનિધિઓ અને આગેવાનો આ ધરણામાં સક્રિયપણે જોડાયા છે. આ તમામ ગામોના ખેડૂતો અને ગ્રામજનો સવારથી જ કંપનીના મુખ્ય ગેટ પાસે એકઠા થઈ ગયા હતા અને કંપની વહીવટતંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂૂ કર્યું હતું. સ્થાનિકોની આટલી મોટી સંખ્યાને જોતાં કંપની પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ હતી.
વિરોધ પ્રદર્શનને વ્યવસ્થિત વેગ આપવા માટે કંપનીના ગેટ પાસે જ એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિવિધ ગામોથી આવેલા સામાજિક અને રાજકીય આગેવાનોએ મંચ પરથી પોતાના મંતવ્યો રજૂ કર્યા. ઉપસ્થિત જનમેદનીએ કંપની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માગ સાથે આકાશ ગુંજવી મૂકે તેવા સૂત્રોચ્ચાર કર્યા.
ગ્રામજનોના વિરોધનું મુખ્ય કારણ કંપની દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ છે. સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ કંપનીના કારણે સમગ્ર વિસ્તારનું પર્યાવરણ જોખમાઈ રહ્યું છે. કંપનીમાંથી નીકળતા કેમિકલયુક્ત કચરા અને ધુમાડાના કારણે આસપાસના લોકોના આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસરો પડી રહી છે. ખેતીલાયક જમીન અને ભૂગર્ભ જળ પણ દૂષિત થઈ રહ્યા હોવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. જો સરકાર કે તંત્ર આ બાબતે ત્વરિત પગલાં નહીં લે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
