કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ભાવેશભાઈ સવજીભાઈ ડાભી નામના 22 વર્ષના દલવાડી યુવાન ગત તા. 24 ના રોજ નજીકના રણજીતપર ગામે આવેલા પવનચક્કીના ચોક્કસ લોકેશન નંબર પર ટ્રાન્સમિશનમાં તેમના ડાબા હાથમાં જોરદાર વીજ કરંટ લાગતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા સવજીભાઈ લાલાભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
હૃદયરોગનો હુમલો
પંજાબ રાજ્યના હોશિયારપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા નજીકની આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા જશવીરસિંઘ ચુનીલાલસિંઘ નામના 49 વર્ષના યુવાનને તેમના કામના સ્થળે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ અંગેની જાણ જીતસિંહ શેરસિંઘએ અહીંની પોલીસને કરી છે.
ગળાફાંસો
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ ભરતસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાનને દારૂૂ પીવાની ટેવ હોય અને છેલ્લા આશરે અઢી મહિનાથી તેણે દારૂૂ પીવાનું મૂકી દીધું હતું. જેના કારણે તેમને શરીરમાં નબળાઈ રહેતી હોય, અને તેઓ કંઈ કામ કરી શકતા ન હતા. આ પરિસ્થિતિમાં તેમને સતત મરવાના વિચારો આવતા હોય, જે વચ્ચે તેમણે શનિવારે બપોરના સમયે પોતાના ઘરે છતના હુકમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ નિલેશસિંહ ભરતસિંહ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરી છે.
