સુરતના રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજમાં અભ્યાસ કરતી એક કોલેજીયન યુવતીના આપઘાતના બનાવથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. રાંદેરના અફસા ટાવરના 13મા માળેથી યુવતીએ પડતું મૂકતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવતીની ઓળખ ગૌરી પ્રજાપતિ તરીકે થઈ છે. ગૌરી ઇ.ઈજ્ઞળના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગૌરી સુરતના પંડોળ વિસ્તારમાં આવેલી સંત જલારામ નગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી. હાલમાં તેની કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી. બનાવના દિવસે ગૌરી પરીક્ષા આપવા માટે કોલેજ ગઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે ઘરે પરત ફરી નહોતી. લાંબા સમય સુધી દીકરી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેની શોધખોળ શરૂૂ કરી હતી.
પરિવારજનોએ ગૌરીની શોધખોળ કર્યા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાંદેર વિસ્તારમાં બનેલી ગંભીર ઘટનાની જાણ પરિવારને થઈ હતી. દીકરીના મોતના સમાચાર મળતા પરિવારજનો પર દુ:ખનું આભ તૂટી પડ્યું હતું પ્રાથમિક અહેવાલો અનુસાર ગૌરી આ ટાવરમાં રહેતી નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગૌરીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરિવારના સભ્યોએ પરીક્ષાના તણાવને સંભવિત કારણ ગણાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. કોલેજમાં પરીક્ષા ચાલી રહી હોવાના કારણે અભ્યાસ અને પરીક્ષાના દબાણ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ગૌરી પરીક્ષા આપ્યા બાદ ક્યાં ગઈ હતી, અફસા ટાવર સુધી કેવી રીતે પહોંચી અને ત્યાં પહોંચ્યા બાદ શું બન્યું હતું તે અંગેની વિગતો મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે.
