દુકાન પાસે પાર્ક કરેલા ટૂ-વ્હિલરોમાં નુકસાન, વૃદ્ધને સામાન્ય ઇજા, અકસ્માત સર્જનાર બેકરી સંચાલક મહિલાને પોલીસ સ્ટેશને લઇ જવાઇ
રાજકોટ સહિત રાજયભરમાં અકસ્માતોનુ પ્રમાણ વધી રહ્યુ છે. અમદાવાદમાં તથ્યકાંડ જેવી ઘટનાઓ બાદ પોલીસ સર્તક બની છે. છતા પુરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માતો સર્જવાની ઘટના વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શહેરની મધ્યમાં કમિશનર બંગલા પાસે મહિલા કાર ચાલકે 3 વાહનોને ઉલાળી એક વૃદ્ધને ઠોકરે ચડાવ્યા હતા.
બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર મહિલાને મથકે લઇ જવાઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમથી આર.એમ.સી. કમિશનર બંગલા વાળા રોડ પર બેકાબુ મહિલા કાર ચાલકે અકસ્માત સજાર્યો હતો. મહિલાએ પૂર ઝડપે કાર ચલાવી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કમિશનરના બગલા સામે દુકાન પાસે પાર્ક કરેલા વાહનોમાં કાર ધુસી જતા ત્રણ ટુ-વ્હિલરને ઉલાળ્યા હતા. જયારે ત્યા હાજર એક વૃદ્ધને ઠોકરે ચડાવતા તેમને સામાન્ય ઇજા પહોંચી હતી.
અકસ્માતને પગલે લોકોના ટોળા થઇ ગયા હતા. અકસ્માત સર્જનાર મહિલાનો પતિ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કાર ચાલક મહિલાનુ નામ ટીનાબેન ઠાકર હોવાનુ અને તેણી યાજ્ઞિક રોડ પર બેકરી સંચાલક હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલા તથા તેના પતિને પોલીસ મથકે લઇ જવામા આવ્યા હતા.