ખાનગી હોસ્પિટલનાં તબીબને સારવારમાં ખસેડાયા પણ જીવ બચ્યો નહીં
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબનું એક દિવસની તાવની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં વાવડી વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી ટ્વીંકલબેન ગોબરભાઈ કોરાટ નામની 33 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે તબિયત લથડતાં તાત્કાલીક યુવતી જે હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી તે હોસ્પિટલમાં જ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવતીને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ચાવડાની પુછપરછમાં મૃતક યુવતી મુળ જૂનાગઢ પંથકની હતી અને એક ભાઈ બે બહેનમાં નાની અને અપરિણીત હતી. મૃતક ટ્વીંકલબેન કોરાટ રાજકોટમાં રહી ખાનગી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી. ટ્વીંકલબેન કોરાટને માત્ર એક દિવસનો તાવ ભરખી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
