શહેરના વોર્ડ નંબર-17 મહિલા કોર્પોરેટરના અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી ઘરે વિચિત્ર ઘટના સામે આવી છે, મહિલા કોર્પોરેટર કબાટ માંથી રિવોલ્વર કાઢવા જતા અકસ્માતે રિવોલ્વર નીચે પડતા રિવોલ્વરમાંથી થયેલ ફાયરીંગમાં મહિલા કોર્પોરેટર પગમાં ગોળી વાગી હતી. ભાજપના મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પૂર્વે બનેલી ઘટનામાં અંતે હોસ્પીટલે પોલીસને જાણ કરતા આ મામલે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વોર્ડ નંબર-17 મહિલા કોર્પોરેટરના અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં 3-3-2025 સોમવારના રોજ લગ્નપ્રસંગે જવાનું હોવાથી સાંજના સમયે 5.30 વાગ્યા આસપાસ તિજોરીમાંથી ઘરેણાં કાઢી રહી હતી, જ્યાં પતિ ગૌતમભાઈની લાઇસન્સવાળી રિવોલ્વર પણ પડી હતી, જે નીચે પડતાં એમાંથી ફાયરિંગ થઇ ગયું હતું, જેની ગોળી પગમાં વાગી જતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી, ત્યાર બાદ બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
હાલ પગમાંથી ગોળી કાઢી દેવામાં આવી છે અને તબિયત સ્થિર છે. મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને પગમાં ગોઠણના નીચેના ભાગે વાગી હતી. જે બાદ તાત્કાલિક પતિ ગૌતમભાઈ ગોસ્વામી સહિતનાને જાણ કરવામાં આવતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને મહિલા કોર્પોરેટરને સારવાર અર્થે પ્રથમ ઢેબર રોડની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે મહિલા કોર્પોરેટરને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મહિલા કોર્પોરેટરના અનિતાબેનના પતિ ભાજપ આગેવાન ગૌતમભાઈ ગોસ્વામી અંદાજિત છેલ્લા છ વર્ષથી પરવાનાવાળું હથિયાર ધરાવે છે. જયારે આ ઘટના બની ત્યારે રિવોલ્વર લોડેડ હતી. રિવોલ્વર નીચે પટકાતા સેફટી લોક ચાલુ હોવા છતાં ફાયરિગ થયું હતું અને આ ઘટના સર્જાઈ હતી. હાલ મામલામાં ભક્તિનગર પોલીસે તપાસ શરૂૂ કરી છે.
