જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં રહેતા સંજયભાઇ કડવાભાઇ વદોડરા નામનો 40 વર્ષનો યુવાન રાત્રીના સમયે પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સંજયભાઇની 15 વર્ષની પુત્રીને કંપનીમાં સાથે કામ કરતા છોકરો ભગાડી ગયો હતો. જે અંગે પોલીસને પણ જાણ કરી હતી. તેમ છતાં બે મહિના બાદ પણ પુત્રીનો પતો નહીં લાગતા વખ ધોળ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જામનગરના હાપામાં રહેતા રમેશ રામચંદ્રભાઇ આડીત્રાવડા (ઉ.વ.34) પોતાના ઘરે હતો. ત્યારે કોઇ અગમ્ય કારણસર હાથની નસ કાપી નાખતા તાત્કાલીક સારવાર માટે જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
