બાલાજી હોલ પાસે રિક્ષાએ બાઇકને ઠોકરે ચડાવતા પુત્રની નજર સામે પિતાનું મોત

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે પુરપાટ ઝડપે આવતી રિક્ષાએ બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્રની નજર સામે જ બાઇક…

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે પુરપાટ ઝડપે આવતી રિક્ષાએ બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્રની નજર સામે જ બાઇક સવાર પિતાનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જયારે પુત્ર અને પૌત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના સંઘચીરોડા ગામે રહેતા પ્રેમગર મહાદેવ ગોસ્વામી (ઉ.વ.70)નામના વૃધ્ધ રાજકોટમાં પુનિતનગરમાં રહેતા તેના પુત્રના ઘરે આંટોમારવા આવ્યા હતા. દરમ્યાન આજે સવારે તેઓ પુત્ર મહેશગીરીના બાઇક પાછળ બેસી 150 ફૂટ રીંગરોડ પર જતા હતા. બાઇકમાં તેની સાથે તેનો પૌત્ર પૂર્વગીરી (ઉ.વ.5)પણ સાથે હતો. તેઓ બાલાજી હોલ નજીક પહોંચતા પૂરપાટ ઝડપે આવતી રિક્ષાના ચાલકે બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પિતા-પુત્ર અને પૌત્ર બાઇક ઉપરથી ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માતમાં વૃધ્ધનુ પુત્રની નજર સામે જ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું.

જયારે પુત્ર મહેશગીરી (ઉ.વ.40)અને પાંચ વર્ષના પૌત્ર પૂર્વગીરીને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ ત્રણ બહેનમાં મોટા અને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ સંઘચીરોડા ગામે રામશ્ર્વેર મહાદેવ મંદિર સેવા પૂજા કરતા હતા. બે દિવસ પહેલા જ પુત્રના ઘરે આંટો મારવા આવ્યા હતા અને આજે સવારે પુત્રના બાઇક પર સીમકાર્ડ કઢાવવા જતા હતા. ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતા બાવાજી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *