મુળ માણાવદરના બાટવા ગામના વતની અને હાલ લોધિકાના મેટોડામાં રહેતાં પ્રૌઢે પુત્રીનાં લગ્ન માટે નાણાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માણાવદર તાલુકાના બાટવા ગામે રહેતાં તુલસીભાઈ રાજાભાઈ વાઘેલા નામના 45 વર્ષના પ્રૌઢ ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં લોધિકાના મેટોડા ગામે આવેલી જીઆઈડીસી પાસે હતાં ત્યારે એસિડ પી લીધું હતું. પ્રૌઢને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં તુલસીભાઈ વાઘેલાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. એક પુત્રીનું ચોરવાડ ખાતે સગપણ કરવામાં આવ્યું છે. પરંતુ લગ્ન માટે રૂપિયાની સગવડ નહીં થતાં પિતાએ એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના મોટાદડવા ગામે રહેતા રાજુભાઈ ડુંગરભાઈ વાઘા નામના 21 વર્ષના યુવકને નજીવા પ્રશ્ર્ને પત્ની સાથે ઝઘડો થતાં ગુસ્સામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
