શહેરમાં રૈયાધાર મફતીયા પરા નજીક ઈન્દીરા નગરમાં રહેતી નવોઢાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારોએ પુત્રીની પતિ સહીતના સાસરીયાઓએ હત્યા કર્યાનો આક્ષેપ કરતા યુનીવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્દીરાનગરમાં રહેતી વૈશાલીબેન જયદીપભાઈ રાઠોડ ઉ.20એ પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેણીને સારવાર મળે તે પૂર્વે મોત નિપજયું હતું.બનાવની જાણ થતા જ યુનિ.પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં મૃતક વૈશાલી ત્રણ બહેન અને એક ભાઈમાં વચેટ હોવાનું અને પિતા મજુરી કામ કરે છે.લવમેરેજ કર્યા બાદ વૈશાલીને તેમના માવતર સાથે સંબંધો નોહતા તેવું પોલીસમાંથી જાણવા મળ્યું છે.
પોલીસની વિશેષ તપાસમાં ઈન્દીરાનગરમાં જ રહેતા વૈશાલીના પિતા ગીરીશભાઈ વશરામભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે તેની પુત્રી વૈશાલીને દારૂૂડીયા જયદીપે પ્રેમમાં ફસાવી લગ્ન કર્યા હતા.અને જયદીપ સહિતના પરિવારજનો તેની પુત્રીને મારકુટ કરી અવાર નવાર ત્રાસ આપતા હોય તેમજ તેની પુત્રી વૈશાલીને ગળેફાંસો દઈ હત્યા કર્યાનો આક્ષેપ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ એચ.જે.જોગડા અને તપાસ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
