શિવાજીનગરમાં યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર જીવલેણ હુમલો

શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર શેરી નંબર-21માં કૌટુંબિક દીકરાના પ્રેમ લગ્નની અદાવત રાખીને એક જ પરિવારના છ સભ્યોએ ભેગા મળીને એક વૃદ્ધ દંપતી અને…

શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર શેરી નંબર-21માં કૌટુંબિક દીકરાના પ્રેમ લગ્નની અદાવત રાખીને એક જ પરિવારના છ સભ્યોએ ભેગા મળીને એક વૃદ્ધ દંપતી અને તેમની પુત્રવધૂ પર લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં 70 વર્ષના વૃદ્ધના ડાબા હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, જ્યારે તેમની પત્ની અને પુત્રવધૂને શરીરે મૂઢ ઈજાઓ પહોંચી છે. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં તમામ છ આરોપીઓ વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, ફરિયાદી અરજણભાઈ નારણભાઈ બારૈયા (ઉં.વ. 70, ધંધો-મજૂરી) ગત 10 જૂન 2026ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં તેમના પત્ની શાકીબેન ઉર્ફે શાંતુબેન સાથે ઘરની બહાર શેરીમાં બેઠા હતા. તે દરમિયાન અચાનક આરોપીઓ ભરતભાઈ ધીરૂૂભાઈ ઢાપા, નરેન્દ્ર ધીરૂૂભાઈ ઢાપા અને રુત્વિકભાઈ ધીરૂૂભાઈ ઢાપા હાથમાં લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો લઈને ત્યાં ધસી આવ્યા હતા. તેમની પાછળ પરિવારની મહિલાઓ રાધુબેન, કાજલબેન અને આરતીબેન ઢાપા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ આવીને તુરંત જ પૂછ્યું હતું કે, “તમારો કૌટુંબિક દીકરો રોહિત ક્યાં છે? તે અમારા કાકાની દીકરી પાયલને ભગાડી ગયો છે”. જેના જવાબમાં વૃદ્ધ અરજણભાઈએ જણાવ્યું કે તેઓએ કોર્ટ મેરેજ કરી લીધા છે અને તેઓ ક્યાં રહે છે તેની તેમને કોઈ જાણ નથી. આટલું સાંભળતા જ તમામ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.

વૃદ્ધ દંપતીએ ગાળો આપવાની ના પાડતા જ ઉશ્કેરાયેલા ભરત અને નરેન્દ્ર નામના આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જેમાં ભરતે અરજણભાઈના ડાબા હાથ પર પાઇપ ફટકારતા ત્યાં જ ફ્રેક્ચર થઈ ગયું હતું અને નરેન્દ્રએ તેમની પીઠના ભાગે આડેધડ પાઇપ મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. આ હુમલામાંથી પતિને બચાવવા માટે વચ્ચે પડેલા પત્ની શાકીબેનને આરોપી રુત્વિકે કમરના ભાગે લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો. રાડાઅરાડી થતાં ઘરની અંદરથી તેમની પુત્રવધૂ પુરીબેન દોડી આવ્યા હતા અને આ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા આરોપીઓ રાધુબેન, કાજલબેન અને આરતીબેને એકસંપ થઈને પુરીબેનને પણ ઢીકાપાટુનો બેરહેમીથી માર માર્યો હતો.

આ હિંસક ઘટનાને પગલે શેરીમાં ભારે દેકારો મચી જતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પરિવારને વધુ માર લાગતા બચાવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધના હાથનું ઓપરેશન કરવાનું હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ ઘટના અંગે થોરાળા પોલીસે રાયોટિંગ અને ગંભીર ઈજા પહોંચાડવાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અનિલભા રતનને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *