ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજસ્થાનમાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.
