કાયદાકીય અધિકાર છીનવાયો, જમીનની કિંમત અડધી થઈ જશે, નેહુલ અમૃતિયાએ આંકડાકીય વિગતો સાથે ખામીઓ છતી કરી
વીજલાઈનના વળતર મુદ્દે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં પણ ખેડૂતોને બહુ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેવું આજે જેતપર ખાતે યોજાયેલા પારણા કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું. તેમણે સરકારના આ નવા પરિપત્રની ગંભીર ખામીઓ અને તેના કારણે ખેડૂતો પર પડનારા આર્થિક ફટકા અંગે વિસ્તૃત વિશ્ર્લેષણ અને આંકડાકીય માહિતી રજૂ કરીને લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
કોર્ટમાં જવાનો કાયદાકીય અધિકાર છીનવી લેવાયો: નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાવર કંપનીઓ ખેડૂતોને વળતર ચૂકવતા પહેલા તેમની પાસેથી એક લેખિત બાંહેધરી લે છે. જો ખેડૂત આ બાંહેધરી પત્રક પર સહી કરી દે, તો તે કલમ 16(3) હેઠળ ભવિષ્યમાં ન્યાય મેળવવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવાનો પોતાનો બંધારણીય અને કાયદાકીય અધિકાર સંપૂર્ણપણે ગુમાવી બેસે છે. ખેડૂત સમિતિની માંગ છે કે નવા પરિપત્રના પરિશિષ્ટ અ અને બ માં તાકીદે એવો સુધારો થવો જોઈએ કે જેથી ખેડૂતો પોતાના વાંધા-વિરોધ સાથે પણ વળતર સ્વીકારી શકે અને કાયદાકીય લડત પણ લડી શકે.
7/12 માં નામ બદલાય તો નવા ખરીદનારને મોટો અન્યાય: પરિપત્રમાં જમીન વેચાણ અને માલિકી હક અંગે પણ મોટી આકસ્મિક ખામીઓ રહેલી છે. જો જમીનના મૂળ માલિકે વીજ કંપની પાસેથી થાંભલા કે તાર નાખવા માટેનું એડવાન્સ પેમેન્ટ લઈ લીધું હોય અને ત્યારબાદ તે જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચી દે (જેથી 7/12 ના ઉતારામાં નામ બદલાઈ જાય), તો પાછળથી જ્યારે ખેતરમાં ટાવર ઊભો કરવાનું વાસ્તવિક કામ શરૂૂ થાય ત્યારે જમીન અને ઊભા પાકનું નુકસાન તદ્દન નવા ખરીદનાર માલિકે ભોગવવું પડે છે. પરંતુ તેને કોઈ વળતર મળતું નથી કારણ કે તે જૂના માલિકને અગાઉ જ ચૂકવી દેવામાં આવ્યું હોય છે.આ ઉપરાંત સરકાર માત્ર એક જ વખત પાકનું વળતર આપે છે. જો કંપની ફાઉન્ડેશન, થાંભલા ઊભા કરવા અને તાર નાખવાનું કામ ચોમાસુ, શિયાળો અને ઉનાળો એમ ત્રણ અલગ-અલગ સિઝનમાં ટુકડે-ટુકડે કરે, તો ખેડૂતનો પાક ત્રણ વખત નિષ્ફળ જાય છે. જીરુ જેવા મોંઘા પાકની સિઝન 120 દિવસની (ચાર મહિનાની) હોય છે. જો કંપની 120 દિવસના નિર્ધારિત સમયમાં જ બધું કામ પૂરું ન કરે, તો ત્રણેય સિઝનનું સંપૂર્ણ વળતર ખેડૂતને મળવું જ જોઈએ.
વળતરની ત્રુટિપૂર્ણ ગણતરી અને કરોડોનો ફટકો: નવા નિયમો મુજબ ટાવર ઊભો કરવા માટે 410 થી 856 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા રોકાય છે, જેમાં જમીનની બજાર કિંમતના 200% વળતર આપવામાં આવે છે. પરંતુ કોરીડોર એટલે કે ખેતરની ઉપરથી પસાર થતા હાઈટેન્શન તાર નીચે આવતી જમીન માટે માત્ર 30% વળતર મળે છે. જેતપર ગામની જમીનનું ઉદાહરણ આપતા તેમણે આંકડાકીય ગણતરી રજૂ કરી હતી કે જો જમીનની બજાર કિંમત રૂૂપિયા 30 લાખ હોય તો:
30 વીઘાના ખેતરમાં જો વીજલાઈનનો 6 વીઘાનો પટ્ટો પસાર થાય, તો વીઘે રૂૂપિયા 9 લાખ લેખે ખેડૂતને માત્ર 54 લાખનું વળતર મળે છે, પરંતુ તેની સામે વાસ્તવિક નુકસાન રૂૂપિયા 4.5 કરોડનું થાય છે. 10 વીઘાના ખેતરમાં આ નિયમોના કારણે રૂૂપિયા 1.5 કરોડનું નુકસાન વેઠવું પડે છે. 20 વીઘાના ખેતરમાં ખેડૂતને સીધું રૂૂપિયા 3 કરોડનું નુકસાન થાય છે.
25 વર્ષ પછી જ્યારે ભવિષ્યમાં આ જમીન વેચવાનો વારો આવે ત્યારે માથા પરથી પસાર થતી હાઈટેન્શન લાઈનના કારણે જમીનની કિંમત અડધી થઈ જાય છે અથવા તો કોઈ ગ્રાહક તેને ખરીદવા તૈયાર થતો નથી. ટાવર નીચે કાયમી ધોરણે ખેતી થઈ શકતી ન હોવાથી, સરકારે ત્યાં કાયદેસર જમીન સંપાદન કરી ખેડૂતને 400% વળતર આપવું જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
વેલ્યુએશન કમિટીની શંકાસ્પદ અને કંપની તરફી કામગીરી: જમીનનું મૂલ્ય (વેલ્યુએશન) નક્કી કરવા માટે કલેક્ટર, વીજ કંપની અને ખેડૂત દ્વારા આઈબીબીઆઈ (IBBI) ની સત્તાવાર વેબસાઈટ પરથી ત્રણ માન્ય ગવર્મેન્ટ વેલ્યુઅર નક્કી કરાય છે. આ વેલ્યુઅર પોતાનો આખરી રિપોર્ટ બંધ કવરમાં કલેક્ટરને સુપ્રત કરે છે અને કલેક્ટર તેમાંથી રેન્ડમલી બે કવર ખોલે છે:
જો એક કવરનો ભાવ રૂૂપિયા 100 અને બીજાનો રૂૂપિયા 120 હોય, એટલે કે બંને કવરના ભાવમાં 20% કરતા ઓછો તફાવત હોય તેવા કિસ્સામાં બંનેની સરેરાશ કાઢીને રૂૂપિયા 110 વળતર નક્કી કરાય છે.પરંતુ જો બંને વચ્ચેનો તફાવત 20% થી વધુ હોય (જેમ કે એકમાં રૂૂપિયા 100 અને બીજામાં રૂૂપિયા 150 હોય), તો મોટા ભાવને ધ્યાને લીધા વગર નાના ભાવમાં (રૂૂપિયા 100 માં) માત્ર 10% ઉમેરીને રૂૂપિયા 110 જ ફિક્સ કરી દેવામાં આવે છે.જો ખેડૂત આ ભાવથી અસહમત થાય, તો જ ત્રીજું કવર ખોલાય છે અને નિયમ મુજબ સૌથી નાના બે ભાવ લઈને તેની જ સરેરાશ કઢાય છે. આ જટિલ પદ્ધતિ સ્પષ્ટપણે ખેડૂતોના ભોગે માત્ર પાવર કંપનીઓને જ ફાયદો કરાવનારી હોવાથી ખેડૂત સમિતિ દ્વારા આ નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ કરીને આંદોલનની રણનીતિ તેજ કરવામાં આવી છે.
