અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામમાં ખેડૂતો દ્વારા ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના કાફલાનો વિરોધ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ, જેમાં જમીન સંબંધિત વિવાદનો મુદ્દો પણ સામેલ હોવાનું જણાવાયું છે, તેને લઈને મંત્રી સમક્ષ રૂૂબરૂૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓ પોતાની વાત મંત્રી સુધી પહોંચાડવા માંગતા હતા. જોકે, પોલીસ દ્વારા તેમને મંત્રી સુધી પહોંચતા અટકાવવામાં આવ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આ દરમિયાન ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સરોડા ગામમાં મંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની યાત્રા દરમિયાન ખેડૂતો પોતાની માંગણીઓ સાથે પહોંચ્યા હતા. ખેડૂતોનો દાવો છે કે તેઓ કોઈ ઉગ્ર કાર્યવાહી માટે નહીં, પરંતુ પોતાની સમસ્યાઓ અંગે મંત્રીને સીધી રજૂઆત કરવા માંગતા હતા. ખેડૂતોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા બાદ વાતાવરણમાં રોષ જોવા મળ્યો હતો. વિરોધ દરમિયાન કેટલાક ખેડૂતોએ નારા લગાવ્યા હતા. આ સૂત્રોચ્ચાર ખેડૂતોના વિરોધનો ભાગ હતો. ધોળકા તાલુકામાં જમીન અને ખેડૂતોના પ્રશ્નોને લઈને અગાઉ પણ રજૂઆતો અને આંદોલનની ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ સરોડા ગામની જમીનના પ્રશ્ને ખેડૂતોની તરફેણમાં રજૂઆત અને આંદોલનની ચીમકી અંગે અહેવાલ સામે આવ્યો હતો.
વિરોધ દરમિયાન સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી હતી. માહિતી મુજબ, એક કલાકથી વધુ સમય સુધી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંતે પોલીસે દરમિયાનગીરી કરી ખેડૂતોને રસ્તાની સાઈડમાં ખસેડ્યા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો અને મંત્રી તથા ધારાસભ્યની યાત્રા આગળ વધી હતી. ઘટનાને પગલે સરોડા ગામમાં થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
