સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો દ્વારા પોતાની જમીનોમાં ગેરકાયદેસર રીતે અથવા સંમતિ વિના નાખવામાં આવતા વીજ પોલ (ખંભાઓ) સામે ચલાવવામાં આવી રહેલા ઉગ્ર આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોના પડખે ઊભા રહીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો ખેડૂતોની કિંમતી જમીનમાં વીજ પોલ નાખવામાં આવે, તો તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ.
રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી રામદાસ આઠવલેએ ખેડૂતોની ચિંતા વ્યાજબી ઠેરવી હતી. તેમણે પાવર પ્રોજેક્ટ કંપનીઓ તરફ ઈશારો કરતા જણાવ્યું કે, “ખેડૂતો દેશના અન્નદાતા છે અને વિકાસના નામે તેમની જમીનોને નુકસાન ન પહોંચવું જોઈએ. જો કોઈ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવામાં આવે છે, તો કંપનીઓએ તેમને નિયમાનુસાર વળતર ચૂકવવું ફરજિયાત છે. આ ગંભીર મામલે હું પોતે અદાણી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર (MD) સાથે સીધી વાતચીત કરીશ અને ખેડૂતોના પ્રશ્નનો ન્યાયી ઉકેલ લાવવા માટે પ્રયાસ કરીશ.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ખેડૂતોના પક્ષમાં બેટિંગ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જો ખેડૂતોની કિંમતી જમીનમાં વીજપોલ નાખવામાં આવતા હોય, તો તેમને યોગ્ય અને પૂરતું વળતર મળવું જ જોઈએ. ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે.” આ આંદોલન અને ખેડૂતોની નારાજગીને ધ્યાને લેતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ મામલો ઘણો સંવેદનશીલ છે. ખેડૂતોની સમસ્યાના કાયમી ઉકેલ માટે તેઓ વ્યક્તિગત રીતે અદાણી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સાથે સીધી વાતચીત કરશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે યોગ્ય રસ્તો કાઢશે.
એક તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની જમીન બચાવવા અને યોગ્ય વળતર મેળવવા લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, જેના પર રાજ્ય સરકારના સ્થાનિક મંત્રીઓએ મૌન સેવ્યું છે.
ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રીએ સીધું જ ખેડૂતોના સમર્થનમાં નિવેદન આપતા અને અદાણી ગ્રુપ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપતા હવે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
