આજથી 25 વર્ષ પૂર્વે 6 કિલોમીટર લાંબા બગસરા જેતપુર બાયપાસમાં ખેડૂતોની લાખો ચોરસ મીટર કિંમતી ખેતીની જમીન સંપાદન બાદ તંત્ર દ્વારા વળતર પેટે ચોરસ મીટરના માત્ર ₹11 થી ₹25 જેવું મામૂલી રકમ ચૂકવતા ખેડૂતોએ યોગ્ય વળતર માટે કોર્ટમાં દાવો કરેલો પરંતુ દોઢ દાયકાની અનેક તારીખો બાદ પંકાયેલા ન્યાયતંત્રએ હુકમ કરેલ જેને આજે 15 માસ થવા છતાં વળતર ન ચૂકવતા ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા માટે ગયેલા ત્યાં અધિકારીઓ દ્વારા એકબીજાને ખો આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળેલી હતી.
વિગત અનુસાર સરકાર દ્વારા બગસરા જેતપુર બાયપાસ નિર્માણ માટે જમીન સંપાદનમાં તારીખ 24 – 6 – 1999 માં જાહેરનામું બહાર પાડી 6 કિલોમીટર લાંબા બગસરા જેતપુર બાયપાસમાં બગસરાના 79 ખેડૂત ખાતેદારોની લાખો ચોરસ મીટર ખેતીની કિંમતી જમીન એકવાયર બાદ તંત્ર દ્વારા ચોરસ મીટરના માત્ર રૂૂપિયા 11 થી 25 જેવું મામૂલી વળતર ચૂકવતા ખેડૂતોએ યોગ્ય વળતર માટે ન્યાયતંત્રનો આશરો લીધેલ અને 2001 માં સિવિલ કોર્ટ અમરેલીમાં કેસ દાખલ કરેલ 17 વર્ષ બાદ એટલે કે 2017 માં કોઈપણ જાતના નિર્ણય વગર આ કેસને ધારી સિવિલ કોર્ટ (એસ.ડી) માં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ અનેક તારીખો બાદ પંકાયેલ ન્યાયતંત્ર દ્વારા 8 વર્ષ એટલેકે 2024 માં એટલેકે ટોટલ 25 વર્ષ બાદ ચોરસ મીટર દીઠ 168 ચૂકવવા હુકમ કરેલ.
આમ ખેડૂતોની હાલત બાર વર્ષે બાવો બોલ્યો જેવી હાલત થઈ 25 – 25 વર્ષની લડત બાદ ₹25 માંથી 168 જેવી રકમ ચૂકવવા હુકમમાં ખેડૂતોને નારાજગી જોવા મળી હતી. તેમ છતાં કોર્ટના આદેશ મુજબ વળતર માટે તમામ ખેડૂતો સંમત થયેલ જોકે કોર્ટના હુકમને 15 – 15 મહિના વિતવા છતાં તંત્ર દ્વારા વળતરની રકમ ચૂકવવા કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કક્ષાએ અમરેલી મંત્રી કૌશિકભાઇ વેકરીયાને મળેલ તેમણે પ્રાંત અધિકારી પાસે મોકલેલ પ્રાંત અધિકારીએ કાર્યપાલક ઇજનેર પાસે ધકાવેલ આમ એકબીજાને ખો દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
જિલ્લા અધિકારી તેમજ મંત્રી દ્વારા આવા જવાબ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. આ પ્રશ્નનો ત્વરિત નિર્ણય નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
