6 લેન બાયપાસ સામે વધુ એક ગામના ખેડૂતોનો વિરોધ

રાજકોટના નવા પ્રસ્તાવીત પીપળીયાથી રામપરા બેટી ગામ સુધીના સીક્સ લેન ગ્રિનફીલ્ડ બાયપાસ મુદ્દે વધુ એક ગામના ખેડુતોએ બાંયો ચડાવી છે. રાજકોટ જિલ્લાના ગઢકા ગામના ખેડૂતો…

રાજકોટના નવા પ્રસ્તાવીત પીપળીયાથી રામપરા બેટી ગામ સુધીના સીક્સ લેન ગ્રિનફીલ્ડ બાયપાસ મુદ્દે વધુ એક ગામના ખેડુતોએ બાંયો ચડાવી છે. રાજકોટ જિલ્લાના ગઢકા ગામના ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રીનફિલ્ડ 6-લેન રોડ પ્રોજેક્ટ સામે ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજરોજ ગઢકા ગામના ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને રાજકોટ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા હેઠળ નેશનલ હાઇવે-27 (રાજકોટ બાયપાસ)ના કિ.મી. 0થી કિ.મી. 43.916 સુધીના રસ્તાના નિર્માણ, જાળવણી અને સંચાલન માટે ગઢકા ગામની ફળદ્રુપ જમીનો સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગયા છે.

ખેડૂતોએ નેશનલ હાઇવે એક્ટ, 1956ની કલમ 3(સી)(1) હેઠળ 21 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની લેખિત વાંધા અરજી રજૂ કરી છે. તેમણે રસ્તાનું એલાઈનમેન્ટ બદલવા તેમજ યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે સરકારી અને ખરાબાની જમીનનો ઉપયોગ કરી રી-એલાઈનમેન્ટ કરવામાં આવે, જંત્રીના જૂના દરોનો વિરોધ કરી બજારકિંમત મુજબ વળતર આપવામાં આવે, જમીન ઉપરના તમામ વાવેતર અને બાંધકામનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવે તેમજ ટુકડાઓમાં વિભાજિત થતી જમીનનું સંપૂર્ણ સંપાદન કરી રસ્તાની સુવિધા આપવામાં આવે.

ગઢકા ગ્રામ પંચાયત અને અસરગ્રસ્ત ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રના વિકાસ અને પ્રોજેક્ટની સામે નથી. પરંતુ વિકાસની સાથે ખેડૂતોના આજીવિકાના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય અને તેમને યોગ્ય ન્યાય મળે તે અત્યંત જરૂૂરી છે. જો યોગ્ય ગણતરી અને ન્યાયી વળતર વિના નિર્ણય લેવામાં આવશે તો ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *