ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂૂ કરાયેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સ્વચ્છ, સુરક્ષિત અને સલામત મુસાફરી પૂરી પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાના પરિણામે લાખો મુસાફરો હવે સ્માર્ટફોન થકી સરળતાથી ટિકિટ બુક કરી રહ્યા છે. ગઈકાલે તા.26 ઓગસ્ટના GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ 88,626 મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.
આ ઐતિહાસિક આંકડાની સરખામણીમાં અગાઉના રેકોર્ડની વાત કરીએ તો તા. 04 નવેમ્બર 2024એ 85,247 ટિકિટ બુકિંગ અને તા. 25 ઓક્ટોબર 2025એ 85,205 ટિકિટ બુકિંગ નોંધાયા હતા. નવા રેકોર્ડમાં જૂના સર્વોચ્ચ આંકડા કરતાં 3,379 ટિકિટનો વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે GSRTC દ્વારા મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે હેતુથી ‘GSRTC Ticket Booking’ અને બસના ચોક્કસ સમય-લોકેશનની માહિતી માટે GSRTC Track Live’ જેવી આધુનિક મોબાઇલ એપ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રક્ષાબંધનના પર્વકાળમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને નિગમે 26થી 30 ઓગસ્ટ દરમિયાન વધારાની ટ્રિપ્સ અને એડવાન્સ બુકિંગની વ્યવસ્થા કરી છે. આ પૃષ્ઠભૂમિએ મુસાફરોનું મોબાઇલ એપ તરફ વળવું ડિજિટલ સેવાઓ પ્રત્યે વધતા વિશ્વાસનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
