જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં સાપરાધ મનુષ્યવધનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતકની પત્નીના નિવેદનના આધારે પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ દાહોદ જિલ્લાના રહેવાસી મહેન્દ્રભાઈ ભોળાભાઈ સંગાડા અને આરોપી ઇનુ ઉર્ફે વિનુ લાલસીંગભાઈ ગરાસિયા કાલાવડ તાલુકાના મુળીલા ગામ નજીક આવેલી એક વાડીમાં મજૂરી કામ માટે સાથે રહેતા હતા. દરમિયાન શાક-રોટલી બનાવવાની સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
આરોપીએ ઝઘડા દરમિયાન મહેન્દ્રભાઈને કૂવામાં ધક્કો માર્યો હોવાનું અને કૂવામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકની પત્ની સુરેખાબેન મહેન્દ્રભાઈ સંગાડાની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી ઇનુ ઉર્ફે વિનુ લાલસીંગભાઈ ગરાસિયા, રહે. ભટીસરા ગામ, જિલ્લો દાહોદ વિરુદ્ધ કલમ 105 અને 115(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
રામપુર ગામની એક પરણીતાને રાજકોટમાં રહેતા પતિએ સિતમ ગુજારી કાઢી મૂકી
રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી રાધિકાબેને પોતાના પતિ સાગરભાઈ રમેશભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ તેના પતિને દારૂૂ પીવાની ટેવ હોવાથી તેઓ અવારનવાર નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.
અગાઉ પણ મહિલાને પતિના ત્રાસના કારણે પિયર જવાની ફરજ પડી હતી, જોકે સમાધાન બાદ ફરીથી સાથે રહેવાનું શરૂૂ કર્યું હતું. પરંતુ પતિ દ્વારા ફરીવાર હેરાનગતિ અને દુ:ખ-ત્રાસ આપવામાં આવતા મહિલાએ પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદના આધારે પંચકોશી “એ” ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 85 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
