પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે મજુરી અર્થે જાતી મહિલા અકસ્માતે પડી જતાં વાડી માલિક પાસે ખર્ચના પૈસા માંગ્યા હતાં. વાડી માલીકે મજુરીના પૈસા આપી ખર્ચના પૈસા આપવાની ના પાડતાં ઈજાગ્રસ્ત મહિલાના પુત્રએ વાડી માલીક વૃધ્ધ ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે રહેતાં રામજીભાઈ મુળજીભાઈ પરમાર નામનાં 65 વર્ષના વૃધ્ધ પોતાના ઘર પાસે હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ પાઈપ વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ભાયુના દોમડા ગામની દીકરી કેશુબેન જાદવ છેલ્લા 20 વર્ષથી રિસામણે બેઠી છે અને તે રામજીભાઈ પરમારની વાડીએ ખેતી કામ કરવા જતી હતી તે દરમિયાન કેશુબેન જાદવ અકસ્માતે પડી જતાં તેને ઈજા પહોંચી હતી.
રામજીભાઈ પરમારે મજુરીના રૂપિયા આપી દીધા હતાં. તેમ છતાં કેશુબેન જાદવના પુત્રએ માતા પડી ગઈહ હતી. તેના ખર્ચના રૂપિયા માંગી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં કાલાવડના ભીમાનુ ગામે રહેતી અંતરબેન લીમસિંગભાઈ નામની 15 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બીજા બનાવમાં શાપર-વેરાવળમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતાં રાજુભાઈ ભીખુભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાને અકળકારણોસર ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ઝેરી દવા પી લેનાર સગીરા અને ફિનાઈલ પી લેનાર યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
