યાત્રિકો લુંટાય નહીં તે માટે વ્યવસ્થા, કુલ 210 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડાવાશે, 13 સમિતિની રચના કરતા કલેક્ટર
ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો મહા શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. 5 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. ભવનાથ ખાતે આગામી 22 ફેબ્રુઆરીથી શરૂૂ થનાર મહાશિવરાત્રી મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓના હિતમાં રિક્ષા ભાડાના દર નિયત કરવામાં આવ્યા છે. આ નિર્ણય યાત્રાળુઓને ગેર વ્યાજબી ભાડા અને છેતરપિંડીથી બચાવવા માટે લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-2025 ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.22 ફેબ્રુઆરીના રોજ એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે. આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામક એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારી એચ.એન.ખાંભલા જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર વી.એમ.મકવાણા તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરાશે બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી 70 મિની બસનું સંચાલન કરવામાં આવ્યું છે.
જેમાં માત્ર રૂૂ.25નું કિફાયતી ભાડું ચુકવી મુસાફરી કરી શકશો. મેળા દરમ્યાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 180 મોટી બસો મુકાશે. તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 30 બસો આમ, કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. મહત્વનું છે કે, યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું આયોજન કરાયું છે. જેથી મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ બસનો લાભ લેવા વિભાગીય નિયામક એસટી જૂનાગઢ દ્વારા યાત્રિકોને અનુરોધ કરાયો હતો.
આ સિવાય યાત્રાળુઓને આ નિયત દરોથી વધુ ભાડું ન ચૂકવવા અને કોઈપણ પ્રકારની અનિયમિતતા જણાય તો સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યોજાનાર પ્રસિદ્ધ શિવરાત્રી મેળાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. આ મેળો 22 ફેબ્રુઆરી 2025થી શરૂૂ થશે. ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મેળાના સુચારુ આયોજન માટે 13 વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ સમિતિ સહિતની અન્ય મહત્વપૂર્ણ સમિતિઓનો સમાવેશ થાય છે.
200 કર્મચારી નવ સફાઈ રૂટ પર સફાઈ અભિયાન હાથ ધરશે
ભવનાથ ક્ષેત્રની સફાઈ તથા ડ્રેનેજની કામગીરી અર્થે રાઉન્ડ ઘ ક્લોક 200 કર્મચારી જોડાઈ ત્રણ સિફ્ટમાં કામગીરી કરશે. ભવનાથ વિસ્તારના મહાનગરપાલિકા, જૂનાગઢ હસ્તકના નિયત થયેલ 9 સફાઈ રૂૂટમા રૂૂપાયતન દરવાજાથી નવા ભવનાથ,રીંગરોડની બન્ને સાઈડ તેમા આવતા ગ્રાઉન્ડ, લંબે હનુમાનજી મંદિર સામેનો રોડ તથા રબારી નેશ, પ્રેરણાધામથી અખાડા સુધી, ભારતીબાપુ આશ્રમ વાળુ ગ્રાઉન્ડ અને બન્ને તરફના મેઈન રોડની સાઈડ, જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ, અગ્નિ અખાડા સામેનું ગ્રાઉન્ડ તથા પ્રકૃતીધામ પાસેના રોડમા સફાઈ અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં કાર્યરત અન્નક્ષેત્ર તથા અન્ય વિસ્તારમાંથી ર-ટ્રેકટર તેમજ 10-ટીપરવાન મારફત દિવસમાં ત્રણ વખત કચરો એકત્રીત કરી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરાશે. આ ઉપરાંત 200 લિટર ક્ષમતાની 70 કચરા ટોપલી ભવનાથ વિસ્તારમાં અલગ અલગ સ્થળે રાખવામાં આવી છે.
રિક્ષા ભાડાના નિયત દર (3 પેસેન્જર માટે સંયુક્ત)
એસ.ટી. ડેપોથી ભવનાથ: રૂા.77
રેલવે સ્ટેશનથી: રૂા.85
મજેવડી દરવાજાથી: રૂા.71
કાળવા ચોકથી: રૂા.67
દિવાન ચોકથી: રૂા.59
ઉપરકોટ-નીચલા દાતારથી: રૂા.61
સક્કરબાગથી: રૂા.83
રામનિવાસથી: રૂા.85
મોતીબાગથી: રૂા.91
મધુરમ-ટીંબાવાડીથી: રૂા.136