સિવિલમાં પંખા તો ન નખાયા, ઇમર્જન્સી વોર્ડના AC પણ માંદા

ઇમર્જન્સી વોર્ડમાં 7માંથી બે એ.સી. રિપેરમાં અને પાંચ માત્ર ગરમ હવા ફેંકે છે, બે ટાવર કૂલરમાંથી પણ એક બંધ સારવાર માટે આવતા દર્દીઓ ઉલ્ટાના માંદા…

ઇમર્જન્સી વોર્ડમાં 7માંથી બે એ.સી. રિપેરમાં અને પાંચ માત્ર ગરમ હવા ફેંકે છે, બે ટાવર કૂલરમાંથી પણ એક બંધ

સારવાર માટે આવતા દર્દીઓ ઉલ્ટાના માંદા પડી જાય તેવી સ્થિતિ, તબીબો અને સ્ટાફ પણ લાચાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે આ વખતે ગરમીનો પ્રકોપ જે રીતે વરસ્યો છે તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને સાથોસાથ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. ગત વર્ષે સિવિલ હોસ્પિટલમાં એર કુલર મૂકવામાં આવ્યા હતા આ વખતે એર કુલર તો આવ્યા નહીં પરંતુ ઘણા ખરા વોર્ડમાં પંખા પણ નથી તેને લઈને દર્દીઓ અને તેમના સગાઓ ગુંગળામણમાં જીવી રહ્યા છે. તમામ સ્થિતિ થી તંત્ર વાકેફ છે છતાં પણ જે પગલાં લેવામાં આવવા જોઈએ તે લેવાયા નથી અને દર્દીઓએ હાલાકી ભોગવી પડે છે.

સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં અગાઉ જે એસી મૂકવામાં આવ્યા હતા તે પણ માંદલા છે.
મળતી માહિતી મુજબ ઇમર્જન્સીમાં સાત એસી મુકવામાં આવ્યા જેમાંથી બે રિપેરમાં છે જ્યારે પાંચ એસી એવા છે કે જેમાં હવા આવતી જ નથી એટલે કહી શકાય કે તમામ સાત એર કુલર ઈમરજન્સી હાલતમાં છે. બીજી તરફ એ આજ વોર્ડમાં બે ટાવર કુલર ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી એક બંધ હાલતમાં છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે તંત્ર માત્ર મોટી મોટી વાતોના બણગા ફૂંકી રહી છે પરંતુ સામે જે સેવા આપવામાં આવી જોઈએ તે અપાતી નથી અને માળખાગત સુવિધાના નામે લોકો હેરાન થઈ રહ્યા છે. પંખા ન હોવાના પગલે લોકોએ ઘરેથી તેમની વ્યવસ્થા કરવી પડે છે.

ઈમરજન્સી બોર્ડમાં એસી બંધ હોવાથી દર્દીઓના સગાઓ તેઓને હવા નાખતા નજરે પડે છે ત્યારે આ નિંભર પ્રશાસન ક્યારે ગંભીરતાપૂર્વક આ બાબતે વિચારશે તે હવે જોવાનું રહ્યું.

હાલ અત્યારે પણ સિવિલ હોસ્પિટલના વિવિધ બોર્ડમાં એસી ની સાથોસાથ એર કુલર મૂકવામાં આવ્યા નથી એટલું જ નહીં પંખા મૂકવામાં પણ જાણે તંત્રને આળસ આવતી હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. હાલ પ્રશ્ન એ જ છે કે અહીં જે સારવાર અર્થે આવતા દર્દીઓની વાહરે તેમના સગા વાલાઓ સિવાય સિવિલ તંત્ર છે કે કેમ ? આ કરુણ દ્રશ્યો કેમ સિવિલ પ્રશાસનના આંખે નથી દેખાતા અને જો દેખાતા હોય તો કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે અંગે સો મણનો સવાલ ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *