રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર પાસે આજે સવારે કૌટુબિંક ભાઇ-બહેનની ગળેફાંસો ખાધેલી હાલતમા લાશ મળી ચકચાર મચી ગઇ હતી. બંનેના આપઘાત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.વધુ વિગતો મુજબ રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદપર ગામમા રહેતા સતીષ બાબુભાઇ બારીયા (ઉ.વ. 16) અને તેમની પીતરાઇ બહેન સુજીલોબેન રતનભાઇ બારીયા (ઉ.વ. 16) બંનેની આજે સવારે આણંદપર દિવેલીયા પરા હોટેલ બ્લેક સ્ટોનની પાછળ ઇંટોના ભઠ્ઠા પાછળ લીમડાના ઝાડ સાથે લટકતી લાશ મળી આવી હતી. આ મામલે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી 108 ને જાણ કરતા 108 ના તબીબે બંને મૃતદેહોને નીચે ઉતારી મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ ઝાલા અને સ્ટાફે બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.
આ ઘટનામા સતિષ 3 ભાઇ એક બહેનમા બીજો અને પોતે ઇંટોના ભઠ્ઠામા કામ કરતો હતો. તેમજ મૃતક સગીરા બે ભાઇ બે બહેનમા નાની અને તે પણ ઇંટોના ભઠ્ઠામા કામ કરતી હતી. બંને કાકા – બાપાના ભાઇ બહેન તથા હોવાનુ જાણવા મળી રહયુ છે. બંને ઘરેથી રાત્રે નીકળી ગયા હતા અને આજે સવારે પોતાના ઘરે બંને ન મળતા પરીવારજનોએ શોધખોળ કરી હતી. તે દરમિયાન બંનેના સજોડે ગળેફાંસો ખાધેલી હાલતમા મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમીક તપાસમા બંને વચ્ચે પ્રેમસબંધ હોય અને પરીવાર સ્વીકારશે નહી તેવા ડરના કારણે આ પગલુ ભરી લીધાની શંકા પોલીસે દર્શાવી છે.