ગીર સોમનાથના કેશરીયા ગામે જૂની અદાલતમાં દંપતિ અને તેના સગીર પુત્ર ઉપર કૌટુંબિક પરિવારે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતી અને તેના પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથના કેશરીયા ગામે રહેતા ગભરૂૂભાઈ વાંજા (ઉ.વ.48), તેમના પત્ની રાધાબેન ગભરૂૂભાઈ વાંજા (ઉ.વ.46) અને પુત્ર જયદીપ વાંજા (ઉ.વ.15) પોતાની વાડીએ હતા ત્યારે કૌટુંબિક અરજણ વાંજા, મહેશ વાંજા અને વિપુલ વાંજા સહિતના શખ્સોએ સળિયા અને પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દંપતી અને સગીરને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ગભરૂૂભાઈ વાંજાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં છોકરા વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા વિજયભાઈ જીતેન્દ્રભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાને અગાઉ પત્નીને ખોટા મેસેજ કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો જે ઠપકાનો ખાર રાખી કૌટુંબિક ભાઈ આનંદ પરમાર અને અંકિત પરમાર સહિતના શખ્સોએ પાઇપ અને બેટ વડે માર માર્યો હતો. વિજય મકવાણાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.