ગોંડલ નાં જામવાડી જીઆઈડીસી માં હજુ મહીના પહેલાં ફુડ વિભાગ દ્વારા બે જગ્યાએ થી મરચુ,હળદર સહિત ભેળસેળ યુક્ત મસાલા નો રુ.3 કરોડ ની કિંમત નો મોટો જથ્થો જડપી પાડ્યો હતો. હવે ગુંદાળા થી ભેળસેળ કરેલા શંકાસ્પદ મસાલા નો જથ્થો જડપાતા ગોંડલ પંથક માં ઉત્પાદીત ખાદ્ય પદાર્થો ની ગુણવતા અંગે સવાલો ઉઠવાં પામ્યાં છે.
પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી શાખાએ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ધમધમતી એક મસાલાની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મોટો દરોડો પાડ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આ ફેક્ટરીમાંથી પોલીસે ₹41,91,350/- ની કિંમતનો શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલાનો મસમોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી. શાખાના પીઆઇ પારગી,પીએસઆઈ . ઝાલા અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાળા ગામની સીમમાં આવેલ ’મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ’ માં ’જે.પી. મસાલા’ નામના કારખાનામાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનેદાર પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલાની અંદર ભારે પ્રમાણમાં ભેળસેળ કરતો હતો. આ ભેળસેળમાં ધાણાજીરુંની અંદર ધાણાજીરુંનું જ ભુસું (વેસ્ટ) ઉમેરવામાં આવતું હતું. જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી, તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો. આ નકલી અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
પોલીસે આ મામલે ગોંડલ ની મુરલીધર રેસીડેન્સી માં રહેતા અને મસાલા ની ફેક્ટરી ચલાવતા મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગીરધરભાઈ બાલધા ઉ.વ. 39 સામે કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલા મરચું, જીરું, ધાણાજીરું, હળદર નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ અંદાજિત કિંમત 41,91,350/- જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ સીઝ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય કે અગાઉ ગોંડલ માંથી નકલી ઘી નું સૌરાષ્ટ્ર વ્યાપી મોટું કૌભાંડ જડપાયું હતું.ઉપરાંત નકલી બિયારણ તથાં ખાતર નું કૌભાંડ પણ જડપાયું હતુ. ગોંડલ પંથક માં સરેઆમ થતી ભેળસેળ અંગે સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યાંનું ચર્ચાઇ રહ્યુ છે.
