દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ અશોક સ્તંભ સાથેનું બનાવટી આઈડી કાર્ડ બનાવી, અને દ્વારકાધીશ મંદિરમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુનો આચર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી પીએલવી તુલસીભાઈ નકુમ દ્વારા પોતે રાજ્ય સેવક ન હોવા છતાં રાજ્ય સેવક હોવાની ખોટી ઓળખ ઊભી કરી અને રાજ્ય સેવક હોવાનો ઢોંગ કરી પોતે રાજ્ય સેવક હોવાનું અને ભારત સરકારના સત્તાવાર “રાજ્ય પ્રતીક” (અશોક સ્તંભ) છાપેલા બનાવટી આઈડી કાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેણે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આવતા દર્શનાર્થીઓને વી.આઈ.પી. દર્શન કરાવીને તેના બદલામાં આર્થિક લાભ લેવામાં આવતો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે બી.એન.એસ.ની કલમ 204, 335, 336, 338 તથા 5 અને ધી સ્ટેટ એમ્બેલ ઓફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઇમ્પ્રોયર યુઝ) એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ કરવામાં આવી છે.
ટાંકામાં પડી જતા વૃધ્ધનું મોત
ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા અને મૂળ વ્યારા જિલ્લાના નવાગામ ખાતેના રહીશ એવા વનતાબેન જીલમભાઈ કાથુર નામના 70 વર્ષના મહિલા મંગળવારે રાત્રિના સમયે કોલવા ગામે આવેલી વાડીએ પાણીના ટાંકામાંથી પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જવાના કારણે તેઓ ટાંકામાં પડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રવિનાબેન સુરેશભાઈ કાથુરએ અહીંની પોલીસને કરી છે.
દારૂ
મીઠાપુર તાબેના રંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા ડુંગરભા ઉર્ફે બાડો ગગુભા માણેક નામના શખ્સ દ્વારા નાગેશ્વર રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં છુપાવીને રાખવામાં આવેલો રૂૂપિયા 65,000 ની કિંમતનો 60 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જો કે દરોડા દરમ્યાન આરોપી ડુંગરભા ઉર્ફે બાડો માણેક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે મીઠાપુર પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે. ભાણવડ તાલુકાના ફતેપુર ગામે રહેતા ભીખુ ખીમાભાઈ વારોતરીયા નામના 41 વર્ષના શખ્સને પોલીસે રૂૂ. 2,000ની કિંમતના વિદેશી દારૂૂના આઠ ચપલા તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
