રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પટેલનગરમાં એક ઓફિસમાં સાફ સફાઈ કરી રહેલી પરિણીતા સાથે કારખાનેદારે છેડતી કરતાં તેના સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરવામાં આવ્યું છે.
બનાવની વિગતો અનુસાર, મુળ ઉતરપ્રદેશની અને હાલ ભક્તિનગર વિસ્તારમાં રહેતી 20 વર્ષની પરિણીતાએ ફરિયાદમાં શૈલેષ ડાંગરનું નામ આપતાં તેમની સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહિં તેના પતિ સાથે રહે છે.
તા.6નાં રોજ સાંજના સમયે તેમને નોકરી કરવી હોય પતિ તેમજ પતિના મિત્રના કહેવાથી નંદનવન સ્પ્રીંગ વર્કસ ઓફિસ જે પટેલનગરમાં આવેલ હોય ત્યાં કામ માટે ગયા હતાં ત્યાં નંદનવન ઓફિસ વાળા શૈલેષભાઈ મળ્યા હતાં. તેમણે મહિનાના 8 હજાર રૂપિયા પગાર નક્કી કર્યો હતો. ત્યારબાદ શૈલેષભાઈએ ઓફિસની ચાવી આપી હતી. તેમણે ગુરૂવારે સવારે ઓફિસ સાફ સફાઈ કરવાનુ કહ્યું હતું. જેથી તેઓ ગુરૂવારે સવારે ઓફિસ ખોલી સાફ સફાઈ કરતાં હતાં ત્યારે શૈલેષ ડાંગર ત્યાં આવ્યો હતો અને ઓફિસ કામ સમજાવવાના બહાને હાથ પકડી હોઠ ઉપર હાથ અડાવી અડપલા કરવા લાગ્યો હતો. જેથી પરિણીતા તેનાથી દૂર જતી રહી હતી અને ઓફિસ કામ કરવા લાગી હતી. અને શૈલેષભાઈ ત્યાંથી જતા રહ્યાં હતાં. ત્યારબાદ ત્યાં પતિ આવતાં તેને સઘળી વાત કર્યા બાદ ભક્તિનગર પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
