ગોંડલ તાલુકાના રીબડા ગામ નજીક વે-બ્રીજ કાંટામાં છેડછાડ કરી ભંગારના વેપારમાં ઓછો માલ મોકલી લાખોની ઠગાઈ આચરવાનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટના કારખાનેદારની ફરિયાદને આધારે રાજકોટના ભંગારના વેપારી સહિત 6 સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મનસુખભાઇ કલ્યાણભાઇ નરોડીયા (ઉં.વ. 56) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મનસુખભાઈ રીબડા જી.આઈ.ડી.સી.માં ’ખઊકઝઘ અકકઘઢ ઈઅજઝ’ નામનું ઓટો સ્પેરપાર્ટ્સનું કારખાનું ધરાવે છે. તેમને કારખાના માટે લોખંડના ભંગારની જરૂૂરિયાત હોવાથી તેઓ વાવડીગામ ખાતે ’સત્યમ સ્ટીલ’ નામથી ભંગારનો ડેલો ચલાવતા ક્રિશભાઇ પાસેથી ભંગાર ખરીદતા હતા. ગત તારીખ 18/10/2026ના રોજ તેમણે ક્રિશભાઇને 7 ટન લોખંડના ભંગારનો ઓર્ડર આપ્યો હતો.
ભંગાર ભરેલી બોલેરો પીક-અપ ગાડી જીજે-03-સીયુ-6096 વજન કરાવવા માટે રીબડા ખાતે આવેલા દ્વારકેશ વે-બ્રીજ પર મોકલવામાં આવી હતી. જ્યાં પ્રથમ વજન કરાવતા 9700 કિલો અને ગાડી ખાલી થયા બાદ 2650 કિલો વજન નોંધાયો હતો, એટલે કે ચોખ્ખો માલ 7050 કિલો (7.05 ટન) દર્શાવવામાં આવ્યો હતો.
જોકે, દ્વારકેશ વે-બ્રીજના માલિક દિવ્યેશભાઈ વીરડાને વજનમાં ગડબડ હોવાની શંકા જતાં તેમણે કારખાનેદારને જાણ કરી હતી. કારખાનેદારે બીજા વાહનમાં તે ભંગાર ભરીને ફરીથી વજન કરાવતા તેમાં 4150 કિલોની મોટી ઘટ સામે આવી હતી. આ ઘટના બાદ વે-બ્રીજના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. તારીખ 18/10/2026ના રોજ રાત્રિના 2:00 વાગ્યાના સુમારે એક સફેદ વર્ના ગાડી જીજે 01 કેયુ 3923 માં આવેલા પાંચ શખ્સો માંથી ચાર જણાએ વે-બ્રીજ પ્લેટ નીચે ઉતરીને કાંટા સાથે છેડછાડ કરી હતી. આ પૂર્વ-આયોજિત કાવતરા હેઠળ જ્યારે પણ ભંગાર ભરેલી ગાડી વજન માટે આવે ત્યારે તેનો વજન વધુ બતાવે તેવું સેટિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે મુખ્ય આરોપી ક્રિશભાઇ (રહે. રાજકોટ), જીતેન્દ્ર ઘુડારામ સૈની, નિખીલભાઈ વિનોદભાઈ શર્મા (બંને રહે. કુવાડવા, રાજકોટ) તથા અન્ય ત્રણ અજાણ્યા માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની આગળની તપાસ એ.એસ.આઈ. કરમરાજસિંહ પરમાર ચલાવી રહ્યા છે.
