31 ડિસેમ્બરે ઈ-કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાત, અફવાઓથી દૂર રહેવા અપીલ
રાજ્યમાં રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી કાર્ય હાલ પુરજોશમાં ચાલુ છે. રાજ્યના રાશનકાર્ડ ધારકોએ આગામી તા. 31 મી ડિસેમ્બર સુધીમાં ઈકેવાયસી કરાવી લેવાની ગાઈડ લાઈન જાહેર કરાયા બાદ અનાજનો જથ્થો મળસે કે કેમ તેથી મુંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે, રાજ્યના જે રાશનકાર્ડ ધારકનું ઈકેવાયસી બાકી છે તેઓને તા. 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે તેમા કોઈ ઘટાડો નહીં થાય.
આજ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ તા. 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે.
ઈકેવાયસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિન જરૂરી ગભરાટથી દૂર રહેવા અપાલી કરાઈ છે.
રેશનકાર્ડમાં ઈકેવાયસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે ઘરબેઠા “Myration” મોબાઈલ એપ્લિકેશન સરળતાથી ઈકેવાયસી કરી શકાશે.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઈકેવાયસી બાબતે સ્પષ્ટતા જાહેર કરતા રાજ્યના રાશન કાર્ડમાં ઈકેવાયસી કરાવવાનું બાકી રહી ગયેલા લોકો ગરીબ પરિવારોને હાશકારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ઈકેવાયસીની મુદત તા. 31 ડિસેમ્બર 2024ની નિયત કરી છે. અને આ મુદત બાદ રેશનકાર્ડ ધારકોને રેશનીંગનું અનાજ કે, અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે તેવી અફવાના કારણે રેશનકાર્ડ ધારકો સરકારી કચેરીઓમાં ઈ-કેવાયસી માટે ભારે ધસારો કરી રહ્યા છે. જેથી કચેરીઓમાં પણ અંધાધુંધી સર્જાઈ રહી છે. અંતે રાજ્ય સરકારે 31 ડિસેમ્બર સુધીમાં ઈકેવાયસી નહીં કરાવનાર નાગરિકોને રેશનકાર્ડ ઉપર મળતી તમામ સુવિધાઓ અને લાભો ચાલુ રાખવાની જાહેરાત કરતા ઈકેવાયસી માટે હેરાન થતાં નાગરિકોમાંરાહતની લાગણી જન્મી છે.
