મોત પણ પસ્તાયું: 17 વર્ષનો ક્રિશ મૃત્યુ બાદ પણ છ લોકોને નવજીવન આપી કાયમી અમર થઇ ગયો

કાળજાનો કટકો ગુમાવનાર અકબરી પરિવારે હૃદય, કિડની, લીવર, ફેફસા, હાથ અને કોર્નિયાનું દાન કરી અન્યની જિંદગીમાં પુર્યા નવા પ્રાણ અમદાવાદમાં નીલગાયના કારણે તેજસ્વી પુત્રએ જીવ…

કાળજાનો કટકો ગુમાવનાર અકબરી પરિવારે હૃદય, કિડની, લીવર, ફેફસા, હાથ અને કોર્નિયાનું દાન કરી અન્યની જિંદગીમાં પુર્યા નવા પ્રાણ

અમદાવાદમાં નીલગાયના કારણે તેજસ્વી પુત્રએ જીવ ગુમાવ્યો છતાં અકબરી પરિવારે અન્યોના જીવનમાં અજવાળા પાથરી સમાજને ચિંધ્યો નવો રાહ

સંત અને શૂરાની ભૂમિ ગુજરાતમાં અનેક વખત ઉદાહરણરૂપ ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદના અકબરી પરિવારે પોતાના વહાલસોયા પુત્રના આકસ્મીક અવસાન બાદ છ-છ જિંદગીઓને નવજીવન આપી સમાજ માટે એક પ્રેરણાદાયી દાખલો બેસાડયો છે.

માત્ર 17 વર્ષના જુવાન જોધ પુત્રના અવસાન બાદ પુત્ર ગુમાવ્યાના વિયોગ-આઘાત વચ્ચે અકબરી પરિવારે અન્ય છ લોકોના જીવનમાં નવા ઉજાસ પાથરવાનો નિર્ણય લીધો અને આજે તેનો પુત્ર છ જીંદગીઓમાં ધબકી રહ્યો છે. આ પ્રેરણાદાયી કિસ્સો છે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર ‘સત્યમેવ એલિજિયમ’માં રહેતા કાંતિભાઇ અકબરી અને રવિ અકબરીના પરિવારનો.

સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય ક્રિશ અકબરીનું નીલગાય સાથે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેના દુ:ખદ અવસાન છતાં, આ હૃદયસ્પર્શી ઘટનાની વિગતો જોઇએ તો અમદાવાદમાં પરિવારજનોએ પ્રેરણાદાયી નિર્ણય લઇને ધોરણ 12 માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીના હૃદય, ફેફસાં, કિડની, લીવર, કોર્નિયા અને હાથ દાન કરવાનો નિર્ણય લેતા છ લોકોના જીવનના અંધારા ઉલેચાયા છે.

મંગળવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ ડિવાઈન રોડ નજીક આ દુર્ઘટના બની હતી. જ્યારે ક્રિશ તેના બાયોલોજી ટ્યુશન માટે જઈ રહ્યો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે રસ્તાની સામેની બાજુએ એક ટ્રકમાંથી હોર્ન વાગવાથી ભડકેલી એક નીલગાય કૂદી સીધી ક્રિશ પર પડી ગઈ. આ અકસ્માતને કારણે ક્રિશને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેના અંગોને સ્થિર કરવા માટે ઓપરેશન કરવામાં આવ્યું, એમઆરઆઇ રિપોર્ટમાં ઓક્સિજનની ઉણપને કારણે મગજને કાયમી નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ.

અંતે ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો. તેના પિતા રવિ અકબરી અને માતા હેમાંગીએ જણાવ્યું હતું કે ક્રિશ તેના પિતાના પગલે ચાલવા અને ફિઝિયોથેરાપિસ્ટ બનવાની ઇચ્છા રાખતો હતો.

ક્રિશના પિતા રવિ અકબરીએ કહ્યું કે “જ્યારે ડોકટરોએ અમને જણાવ્યું કે સ્વસ્થ થવાની કોઈ શક્યતા નથી, ત્યારે અમે અંગદાનને અમારા પુત્ર માટે અન્યમાં જીવવાની તક તરીકે જોયું. હકીકતમાં, જ્યારે ક્રિશના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે તેનું હૃદય ભાવનગરના 13 વર્ષના છોકરામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું હતું. અમે તેને એક સંકેત તરીકે જોયું અને આશા રાખીએ છીએ કે તે વધુને અંગોનું દાન કરવા માટે પ્રેરણા આપશે.”

પરિવારના જણાવ્યા મુજબ, ક્રિશના હાથ ફરીદાબાદના એક છોકરાને, તેના ફેફસાં એક યુવાનને અને તેની કિડની 16 અને 17 વર્ષના બે કિશોરોને મોકલવામાં આવી હતી. તેના કોર્નિયા શહેરના એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

પિતાએ આગળ લખ્યું, “ક્રિશ ઘણું બધું આપ્યા પછી દુનિયા છોડી ગયો છે. તેણે એક નહીં, પરંતુ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. અમને ગર્વ છે કે અમે એના માતાપિતા છીએ.” આ દુર્ઘટનાએ અમદાવાદ શહેરી વિસ્તારમાં નીલગાયના ભય અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે. એક સ્થાનિક સામાજિક કાર્યકર્તાએ નોંધ્યું હતું કે નીલગાય વારંવાર એસપી રિંગ રોડ અને એસજી રોડ વચ્ચે ટ્રાફિક જોખમનું કારણ બને છે.

તેમણે દાવો કર્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણીવાર આવી ફરિયાદોને વન્યજીવનના મુદ્દા તરીકે વન વિભાગને મોકલે છે. “આ ચિંતાઓને દૂર કરવા માટે એક સ્પષ્ટ પદ્ધતિ હોવી જોઈએ જેથી આપણે આવા અકસ્માતોમાં વધુ નાગરિકો ગુમાવીએ નહીં,”

ક્રિશનું હૃદય 13 વર્ષના કિશોરમાં ધબકયું, કિડનીએ બે જિંદગી બચાવી, ફેફસાથી અમદાવાદના યુવકને નવું જીવન મળ્યું
મૃત્યુ બાદ પણ છ જિંદગીમાં ધબકી રહેલા ક્રિશના પિતા રવિ અકબરી તથા માતા હેમાંગીબેને જણાવ્યુ કે, ક્રિશ ઘણું બધુ આપ્યા પછી દુનિયા છોડીને ગયો છે. તેણે એક નહીં પણ અનેક લોકોને નવુ જીવન આપ્યું છે. ક્રિશનું હૃદય ભાવનગરના 13 વર્ષના એક કિશોરમાં ધબકી રહ્યું છે. તેના હાથ ફરીદાબાદના એક હાથવિહોણા દર્દીના જીવન નિર્વાહનો આધાર બનશે. જયારે બન્ને કીડનીઓના દાન થકી બે જીંદગી બચાવી શકાઇ છે. ક્રિશના ફેફસા અમદાવાદના જ 22 વર્ષના એક યુવાનને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. કોનિયા પણ અન્ય કોઇની જીંદગીને તંદુરસ્ત રાખવા માટે આપી દેવામાં આવ્યા છે. રવિ અને હેમાંગીબેન અકબરીએ જણાવ્યું કે, આ નિર્ણય ખુબ કઠીન હતો પરંતુ અમને એ વાતનો ગર્વ અને સંતોષ છે કે, અમારો ક્રિશ આજે છ-છ જિંદગીમાં જીવી રહ્યો છે. અમને ગર્વ છે કે, અમે ક્રિશના માતા-પિતા છીએ.

ક્રિશના અંતિમ સંસ્કાર સમયે જ તરૂણનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
અમદાવાદના અકબરી પરિવારના 17 વર્ષના તેજસ્વી પુત્ર ક્રિશનું ગત મંગળવારે અકસ્માતમાં દુ:ખદ મૃત્યુ થયા બાદ આ પરિવારે અન્યોના જીવનમાં અજવાળા પાથરવાનો નિર્ણય કર્યો અને અંગોનું દાન કર્યું. ક્રિશ બ્રેઇન ડેડ જાહેર થતાં તેનું હૃદય ભાવનગરના એક 13 વર્ષના કિશોરને દાન કરવામાં આવ્યું હતું અને જયારે અમદાવાદમાં ક્રિશના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા તેજ સમયે ભાવનગરનાં કિશોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *