ન્યૂઝીલેન્ડ સાથે ભારતે કરેલા કરારથી પ્રભાવિત યુરોપિયન યુનિયનનું આજે કરારનામું

આજે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ખૂબ મહત્વના કરાર થવાની સંભાવના છે. અમેરિકા જેવી મહાસત્તા અને એનો ઉરાંગ ઉટાંગ વડો ભારતની એકધારી ઈર્ષ્યા કરે છે…

આજે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ખૂબ મહત્વના કરાર થવાની સંભાવના છે. અમેરિકા જેવી મહાસત્તા અને એનો ઉરાંગ ઉટાંગ વડો ભારતની એકધારી ઈર્ષ્યા કરે છે અને એ ટ્રમ્પના અહંકારી ઈરાદાઓ આખું જગત જાણે છે. ભારતે હવે ટુકડે ટુકડે પોતાના અર્થતંત્રને સાવધાની પૂર્વક બેઠું કરવાનું છે. ભારતીય વિકાસની ઈર્ષ્યા કરવાની વેળા આવવાને હજુ વાર છે છતાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ મિસ્ટર ટ્રમ્પ ભારત પરત્વેની ઘોર કિન્નાખોરીથી જે ટેરિફની સાપસીડી રમી રહ્યા છે એ સંયોગોમાં ઈતર નાના દેશો સાથેની દોસ્તી ભારતને સામે કાંઠે પહોંચાડી શકે એમ છે.

એટલે કેન્દ્ર સરકારે જે કેટલાક ગૌણ અને મહત્ત્વના એમ બન્ને પ્રકારના દેશો સાથે વેપાર કરાર કરવાની ઝુંબેશ ઉપાડી છે તેમાં થોડા દિવસ પહેલાં ન્યુઝીલેન્ડ સાથે કરાર કરવામાં આવ્યા છે. ટેરિફ લગાવવાના કારણે ભારતીય બજારો પર પ્રતિકૂળ અસર પડવાની આશંકાઓ વચ્ચે ન્યૂઝીલેન્ડ સાથે થયેલો મુક્ત વેપાર કરાર સુખદ જ કહેવાય. વિશ્વમાં અર્થતંત્રોના વધતા સ્વહિતવાદ અને ભૂ-રાજકીય તણાવથી ઊભા થયેલા સપ્લાય ચેઇન સંકટ વચ્ચે આ કરારનું અમલીકરણ ભારતીય અર્થવ્યવસ્થાને લાભદાયક બની શકે છે.

પરંતુ તેની સાથે ભારતીય કૃષિ અને ફળ ઉત્પાદકોના હિતોની અવગણના ન થવી જોઈએ. જેમ કે હિમાચલ પ્રદેશના સફરજનના ઉત્પાદકોમાં ગહન ચિંતા છે કે ન્યૂઝિલેન્ડના સફરજન પર આયાત શુલ્ક પચાસથી પચીસ ટકા કરવા તેમના હિતોને નુકસાન પહોંચશે. તેમની આશંકા છે કે જો અન્ય દેશો સાથે પણ આવા કરારો થાય તો હિમાચલી સફરજન બજારમાં સ્પર્ધાત્મક રીતે ટકી શકશે નહીં. તેમનું કહેવું છે કે જ્યારે હિમાચલી સફરજન બજારમાં આવે છે તે સમયગાળામાં આ શુલ્ક ઘટાડવું ન જોઈએ. આથી સફરજનની હાઈ-ડેન્સિટી ખેતી અને કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ પર પણ નકારાત્મક અસર પડશે. જોકે, આ કરારનું એક સકારાત્મક પાસું એ પણ છે કે તે વોશિંગ્ટન સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર ડીલમાં ભારતને લાભ અપાવી શકે છે. ન્યૂઝિલેન્ડ સાથેનો વેપાર આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ન્યૂઝિલેન્ડે આગામી પંદર વર્ષોમાં ભારતમાં વીસ અબજ ડોલરના રોકાણની હૈયાધારણા આપી છે. આ કરાર તે નકારાત્મક વાતાવરણ દૂર કરવામાં મદદરૂૂપ થશે, જે અમેરિકા દ્વારા એક તરફી ટેરિફ લગાવવાથી ઊભું થયું છે. જેના કારણે અમેરિકામાં નિકાસ કરનારા ઉત્પાદકો ચિંતામાં હતા અને રોજગારીની તકો ઘટવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી હતી. ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની માર્ચમાં ભારત મુલાકાત બાદ માત્ર નવ મહિનામાં આ કરાર પૂર્ણ થયો છે. આ કરાર દ્વિપક્ષીય આર્થિક હિતોની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે આપણી હિંદ-પ્રશાંત આર્થિક વ્યૂહરચનાને મજબૂત બનાવશે. સ્વતંત્રતા પછી થોડા વર્ષોમાં શરૂૂ થયેલો બંને દેશોનો વેપાર તો અદ્યાપિ બહુ ઉત્સાહજનક રહ્યો નથી, જે આ પૂરા થતાં વર્ષે માંડમાંડ બે અબજ ડોલર સુધી પહોંચ્યો છે. તેમ છતાં, આગામી પાંચ વર્ષમાં વેપાર બમણો કરવાનો સંકલ્પ આશા જગાવે છે. ભારત ન્યૂઝીલેન્ડને ફાર્માસ્યુટિકલ્સ, માલસામાન અને આઈટી સેવાઓની નિકાસ વધારી શકે છે. કરાર પછી ભારતને ન્યૂઝિલેન્ડની અદ્યતન કૃષિ ટેકનોલોજી સુધીની પહોંચ સરળ બનશે.

કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં ન્યૂઝીલેન્ડના અનુભવનો લાભ ભારતને મળી શકે છે, પરંતુ ભારતીય ખેડૂતોના હિતોની રક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ કરારમાં ભારતીય ડેરી ઉદ્યોગના હિતોની રક્ષા કરવાની ખાતરી આપવામાં આવી છે. દુનિયામાં સર્વાધિક દૂધ ઉત્પાદન કરનારા દેશ ભારત માટે ન્યૂઝિલેન્ડના ડેરી ક્ષેત્રને કોઈ છૂટ આપવામાં આવી નથી. અમેરિકા સાથેનો વેપાર કરાર હજુ સુધી પૂર્ણ ન થવાનું એક મોટું કારણ ડેરી અને કૃષિ ક્ષેત્રમાં ભારતીય ખેડૂતો અને ડેરી ઉત્પાદકોના હિતોને કારણે અમેરિકન દખલને મંજૂરી ન આપવી તે છે. તેમ છતાં, અમેરિકા સાથેના વેપાર કરાર અંગે તણાવ હોવા છતાં, ભારત દ્વારા તાજેતરમાં ઓમાન સાથે આર્થિક ભાગીદારી કરાર બાદ ન્યૂઝિલેન્ડ સાથે એફટીએ પૂર્ણ થવું ભારતીય નિકાસની વૈવિધ્યતા વધારશે. વીતેલા એક જ વર્ષમાં ત્રણ વૈશ્વિક કરારોનું પૂર્ણ થવું ભારતીય અર્થવ્યવસ્થાને ઊર્જા પૂરી પાડી શકે છે.

આ તરફ, આ મહિનાની શરૂૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુટિનની ભારત મુલાકાત દરમિયાન પણ દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે સહમતિ બની છે. બહુ શક્ય છે કે આ કરારો પછી અમેરિકા સાથે થનારા મુક્ત વેપાર કરારમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે. આશા રાખીએ કે યુરોપિયન યુનિયન, કેનેડા અને ઇઝરાયેલ સાથે પણ એફટીએના પ્રયાસો સફળ થાય. પરંતુ તેની સાથે જ જરૂૂરી છે કે ભારતીય ખેડૂતો, ફળ અને દૂધ ઉત્પાદકોના હિતોની રક્ષામાં ખાસ ધ્યાન આપવામાં આવે. અગાઉ ડુંગળી, કપાસ, મગફળી વગેરે અનેક કૃષિ ઉત્પન્ન વસ્તુઓમાં સરકારી અધિકારીઓની બેવકૂફીથી દેશના કરોડો ખેડૂતોએ હેરાન થવું પડ્યું હતું. અન્ય દેશો સાથેના કરારોમાં ભારત કંઈ એકલો પોતાનો સ્વાર્થ ન સાધી શકે એ પણ હકીકત છે.
કુછ લેના સામે કુછ દેના તો હોય જ છે. પણ એમાંથીય વ્યૂહાત્મક રીતે સ્વહિત સિદ્ધ કરવું એ જ તો કસોટી હોય છે. વર્તમાન સરકાર સ્વપક્ષ હિતમાં અનેકવાર સ્વપ્રજાહિત ભૂલી ગયાના અનેક લોકાનુભવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *