રાજકોટમાં અર્વાચીન રાસોત્સવની કેન્ટિનોમાં રોગચાળાના રાસડાને છૂટ!

રાજકોટમાં નવરાત્રિની આરાધના નામે યોજાતા અર્વાચિન રાસોત્સવના ખેલૈયાઓ રોગચાળાના મુખમાં ધકેલાય તેવી નરી આંખે પણ દેખાતી વાસ્તવિકતા આડે મનપાની ફૂડ શાખા આંખ આડા કાન કરી…

રાજકોટમાં નવરાત્રિની આરાધના નામે યોજાતા અર્વાચિન રાસોત્સવના ખેલૈયાઓ રોગચાળાના મુખમાં ધકેલાય તેવી નરી આંખે પણ દેખાતી વાસ્તવિકતા આડે મનપાની ફૂડ શાખા આંખ આડા કાન કરી રહી છે.

જે રીતે લોકમેળો અને ખાનગી મેળામાં ખાણીપીણીના સ્ટોલ માટે હંગામી ફૂડ લાયસન્સ લેવુ ફરજિયાત બને છે તેમ અર્વાચિન રાસોત્સવમાં આવેલી કેન્ટિન કે ખાણીપીણીના અન્ય સ્ટોલ માટે પણ હંગામી ફૂડ લાયસન્સ ફરજિયાત હોય છે. ફૂડ લાયસન્સ હોય તો પણ આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે દરોજ ચેકીંગ કરવાની ફરજ મનપાની ફૂડ શાખાની બને છે. પરંતુ નવરાત્રિના પ્રારંભે મનપાની ફૂડ શાખાની નપાણી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. દર વર્ષે ચેકીંગ ટીમ બને છે(જો કે દેખાડો કરવા પુરતુ ચેકીંગ થાય છે એ વાત અલગ છે), પરંતુ આ વખતે તો ચેકીંગ ટીમ પણ બની નથી. આ અંગે આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને પુછવામા આવતા તેમણે એવો વિચિત્ર જવાબ આપ્યો હતો કે, કોઇની ફરિયાદ આવશે ત્યા ફૂડ ઇન્સ્પેક્ટરોને મોકલશુ
મોટાભાગના અર્વાચિન રાસોત્સવમાં આરોગ્યના ધારાધોરણોનું પાલન થતુ ન હોવાનું ‘ગુજરાત મિરર’ના ધ્યાનમાં આવ્યુ છે. દાંડિયારાસમાં જતા ખેલૈયાઓ ઉપર આજે નહીં તો કાલે ખાદ્ય અને પાણીજન્ય ગંભીર રોગચાળાનો ખતરો ઝળુંબી રહ્યો છે. મળતી સતાવાર માહિતી મુજબ પોલીસની મંજૂરી હોય તેવા કુલ નાના-મોટા 74 અર્વાચિન રાસોત્સવ છે. તેમાથી મોટા કહી શકાય તેવા 36 આયોજન છે.

મોટા ગ્રુપ કહી શકાય તેવા 36 રાસોત્સવ ચાલે છે. 36 મોટા રાસોત્સવમાં સિઝન પાસ ઉપરાંત ડેઇલી પાસમાં રોજ સરેરાશ 2000 ખેલૈયાઓ રમે છે. જ્યારે નાના આયોજનમાં રોજના 800 જેટલા ખેલૈયાઓ રમે છે. 36 મોટા રાસોત્સવમાં દરરોજ સરેરાશ 1 લાખ 25 હજારથી વધુ અને નાના આયોજનમાં રોજના સરેરાશ 30,000થી વધુ ખેલૈયાઓ રમે છે. આ ઉપરાંત અન્ય આયોજનોમાં 50 હજારથી વધુ ખેલૈયાઓ ડેઇલી પાસમાં રમવા જાય છે. ગણતરી કરીએ તો ઓછામાં ઓછા 2 લાખથી વધુ ખેલૈયાઓ થાય છે. મોટાભાગના ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં પરસેવો પાડ્યા બાદ ‘ભૂખ્યા ડાંહ’ થઇને રાસોત્સવના ગ્રાઉન્ડમાં જ આવેલી કેન્ટિન(ફૂડ સ્ટોલ)માં તૂટી પડે છે. ફૂડ લાયસન્સ વગર જ ધમધમતી કેન્ટિન અને ફૂડ સ્ટોલમાં આરોગ્યના ધારાધોરણોનું પાલન થતુ ન હોય ખાટલી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપર ફૂડજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ખતરો ઝળુંબી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *