પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ મકાનના ઉપરના રૂૂમમાં પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના ટેન્શન અને દબાણને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતક વિદ્યાર્થિનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આકસ્મિક મોતની વિગતો મુજબ, મૃતક ભણવામાં હોશિયાર હતી, પરંતુ પરીક્ષાના ભારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે જ તેણે ઉપરના માળે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું.
આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવે જણાવ્યું હતું કે પરીક્ષા તો જીવનમાં આવતી-જતી રહેશે, પણ જિંદગી ફરી નહીં મળે. આ કેસમાં જાણવા મળ્યું છે કે બાળકી પરીક્ષાનું પ્રેશર સહન નહોતી કરી શકી. મારી તમામ વાલીઓને અપીલ છે કે તમારા સંતાનોની ક્ષમતા સમજો. તેમની ઉપર અતિશય અપેક્ષાઓનો ભાર ન મૂકો. બાળકોને તેમની મનગમતી સ્ટ્રીમ પસંદ કરવા દો જેથી તેઓ દબાણમાં ન આવે. વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી, હિંમત હારીને આવું પગલું ક્યારેય ન ભરો.
ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક હસતા-રમતા પરિવારની લાડકવાયી દીકરીએ આ રીતે વિદાય લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.
