રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા અંદાજે રૂૂ.4 લાખ કરોડના એમઓયુ થવાના છે. જેમાં રીન્યુએબલ એનર્જી એટલે કે સૌર, પવન અને દરિયાઈ ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકાય અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ મશીન લર્નિંગનો ઉપયોગ કરી મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતને મોખરાના ક્રમે કઈ રીતે લાવી શકાય તે અંગેની રણનીતિ ઘડવામાં આવશે.
PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, મારવાડી યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ સમિટમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે ચીફ એન્જિનિયર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયર સહિતની 100 કર્મચારીની ટીમ દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓ 24 કલાક ત્યાં હાજર રહેશે અને કોઈપણ પ્રકારના વીજ વિક્ષેપ વિના વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થાય તેવા પ્રયાસો છે.
કયા કયા વિષય ઉપર સેમિનાર યોજાશે?
* સીઈઓ રાઉન્ડટેબલ: દરિયા કિનારાથી નજીકના પવન તરફ સંક્રમણમાં પડકારો અને તકો
* સંશોધનથી વપરાશ સુધી: ભારતના તેલ અને ગેસ મૂલ્ય શૃંખલામાં ગુજરાતનું નેતૃત્વ
* હાઇડ્રોકાર્બનથી કૃષિ રસાયણો: ગુજરાતની સંકલિત ઊર્જા અને ખાતર ઇકોસિસ્ટમ
* નેટ-ઝીરો પાથવેઝ: આબોહવા-સ્થિતિસ્થાપક ઔદ્યોગિક, શહેરી અને ગ્રામીણ ઉર્જા પ્રણાલીઓની રચના
* નવીનીકરણીય એકીકરણ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવતા એગ્રોવોલ્ટેઇક્સ
* નવીનીકરણીય ઉર્જા પ્રણાલીઓમાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ
* ભારતમાં મરીન કેબલિંગનું અન્વેષણ : મહાસાગર ઊર્જા અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પર બેવડું ભારણ
* ટ્રાન્સમિશન માટે સામાન્ય માળખાગત સુવિધા અને કોરિડોર
