આવતી કાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવનને એક તક આપો
મધુ જય ઉપાધ્યાય માને છે કે આત્મહત્યાનું એક કારણ હોઈ શકે, પરંતુ જીવન જીવવાનાં અનેક કારણો છે
એક મુશ્કેલ નિર્ણય બાદ જીવનભરની શારીરિક તકલીફો સાથે જુસ્સાભેર જીવન જીવે છે રાજકોટના મધુ જય ઉપાધ્યાય
આજથી 15 વર્ષ પહેલાં મેં મારી જ જિંદગી મિટાવવાનો પ્રયાસ કર્યો હતો. જાણે મૃત્યુને અડકીને પાછી આવી. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ સામેથી તેને ભેટવા જવું નાદાની છે. મેં એ નાદાની કરી અને આજે તેના પરિણામો ભોગવી રહી છું. એટલે જ દરેક વ્યક્તિને એટલું જ કહેવું છે કે તમે દેખાવમાં ઊંચા હો કે નીચા, જાડા હો કે પાતળા, શ્યામ હો કે રૂૂપાળા… જો તમારા શરીરમાં શ્વાસ ચાલી રહ્યા છે અને તમારા અંગો પોતાનું કામ કરી રહ્યાં છે, તો આ અમૂલ્ય જીવન માટે ભગવાનનો આભાર માનો.આ કોઈ પુસ્તકનું તત્ત્વજ્ઞાન નથી, પરંતુ પોતાના જીવનમાંથી નીકળેલો અનુભવ છે. આ શબ્દો છે રાજકોટના મધુ જય ઉપાધ્યાયના. આત્મહત્યાના પ્રયાસ બાદ આવેલી અનેક શારીરિક તકલીફો વચ્ચે લોકોને પ્રેરણા મળે એવું જીવન જીવી રહ્યા છે.રોજિંદા જીવનમાં પળે પળે નવી તકલીફો આવે છે છતાં જીવન સામે હાર માનવાનું પસંદ કર્યું નથી પરંતુ જીવનને કહે છે આઈ લવ યુ જિંદગી.
એક નિર્ણય, જેણે આખું જીવન બદલી નાખ્યું મધુ જય ઉપાધ્યાય જ્યારે મધુ ધમસાણિયા હતા ત્યારે અંગત જીવનની એક પરિસ્થિતિ અને પરિવારની અસંમતિના કારણે તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. એ એક ક્ષણનો નિર્ણય હતો, પરંતુ તેની અસર આખી જિંદગી સુધી રહી.આ નિર્ણય બાદ લાંબી સારવારમાંથી પસાર થવું પડ્યું. શરીરને ગંભીર નુકસાન થયું અને વર્ષો સુધી હોસ્પિટલ, ઓપરેશન અને સારવારનો સિલસિલો ચાલ્યો. જીવન બચી ગયું, પરંતુ કેટલીક શારીરિક તકલીફો કાયમી બની ગઈ.
આજે પણ તેમને શ્વાસ લેવામાં સહાય માટે ગળામાં ટ્યુબ રાખવી પડે છે. ખાવા-પીવામાં મુશ્કેલી પડે છે અને ઊંઘ સહિતની રોજિંદી ક્રિયાઓમાં પણ અનેક પડકારો છે. પરંતુ આ મુશ્કેલીઓ મધુની ઓળખ બની નથી.
તેમની ઓળખ છે આ બધાની વચ્ચે પણ જીવનને પસંદ કરનાર એક હિંમતવાન સ્ત્રી. જે વ્યક્તિ માટે જીવન ટૂંકાવ્યું, એ જ બન્યા જીવનનો સહારો, મધુની સફરમાં એક સંબંધ ખાસ ઉલ્લેખ માગે છે તેમના પતિ જય ઉપાધ્યાયનો.જે વ્યક્તિ સાથે જીવન જીવવાની ઇચ્છા પૂરી ન થતા એક સમયે મધુએ આત્યંતિક નિર્ણય લીધો હતો, એ જ જયે જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાં તેમનો હાથ છોડ્યો નહીં.
મધુ કહે છે કે જય ખૂબ ધીરજ ધરાવે છે. જ્યારે પોતે હિંમત હારે છે ત્યારે તે મને સંભાળી લે છે, હિંમત આપે છે અને ફરી જીવન તરફ વાળે છે. પરિવારજનો અને સ્વજનોએ પણ સારવારથી લઈને રોજિંદા જીવન સુધી સતત સાથ આપ્યો.કપરા સમયમાં મળેલો આ સાથ કદાચ મધુને એ સમજવામાં મદદ કરતો રહ્યો કે જીવનમાં એક સંબંધ કે એક ઘટના કરતાં પણ ઘણું વધારે છે.
મુશ્કેલીઓ આજે પણ છે, પરંતુ હવે જીવન પ્રત્યે ફરિયાદ નથી.તેઓનું રોજિંદું જીવન સરળ નથી. ક્યારેક જમતી વખતે મુશ્કેલી ઊભી થાય છે, તરસ લાગી હોવા છતાં પાણી પીવું મુશ્કેલ બને છે તો ક્યારેક રાત્રે સતત ઊંઘ પણ આવતી નથી.આ બધી પરિસ્થિતિ વચ્ચે નિરાશાની ક્ષણો આવતી જ હોય છે. તેઓ જણાવે છે કે હું પણ માણસ છું એટલે ક્યારેક નબળી પડી જાઉં છું,પરંતુ એ ક્ષણ કાયમી નથી હોતી.
એટલે તેઓ ડાયરી લખે છે, પુસ્તકો વાંચે છે અને પોતાની આસપાસની નાની-નાની ખુશીઓ શોધે છે.
સોશિયલ મીડિયા પર પોતાની કહાની છપાવવાને બદલે તેઓ પોતાની વાત વ્યક્ત કરે છે. હેતુ એક જ તેમનો અનુભવ કોઈ બીજાના જીવનમાં એક જીવ બચાવતી ક્ષણ બની જાય. અનેક લોકોને તેમના જીવનમાંથી પ્રેરણા મળી છે. બીજી વાત લોકોને એ પણ સમજાવવા માંગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ હતાશ થઈ તમારી પાસે આવે ત્યારે કોઈ સલાહ કે સૂચનો આપવાને બદલે સાથ આપો, સધિયારો આપો. તેમનું માનવું છે કે જીવન ટૂંકાવવાનો નિર્ણય લેવા માટે માણસને ઘણી હિંમત એકઠી કરવી પડે છે, પરંતુ આવી હિંમત ભગવાન કોઈને પણ ન આપે એ જ પ્રાર્થના. મધુની પોતાની જિંદગી તેનો જીવંત પુરાવો છે કે એક ખરાબ સમય આખી જિંદગી નથી હોતો.
