ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!

જામનગરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન દ્વારા નિર્મિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટને ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે…

જામનગરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન દ્વારા નિર્મિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટને ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે અને કારખાનાઓ હજુ પણ ગંદુ પાણી ખુલ્લી નદીઓમાં છોડી રહ્યા છે.જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશને 6 મહિના પહેલા જ આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું હતું. આ પ્લાન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી) ફેઝ-1, શંકર ટેકરી ઉધ્યોગ નગરમાં આવેલો છે. પરંતુ આ પ્લાન્ટના ગેટ પર અલીગઢી તાળા લાગેલા જોવા મળ્યા છે.

પ્રદુષણ નિયંત્રણના અધિકારીઓની કાર્યવાહીઓથી બચવાં ફક્ત આમ, એસોસિએશન દ્વારા માત્ર દેખાડો કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ થાય છે.આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગકારો માત્ર પોતાના ફાયદા વિશે જ વિચારે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં કોઈ કચાશ રાખતા નથી. તેઓ કેમિકલ યુક્ત એસીડીક ગંદુ પાણી ખુલ્લી ગટરો અને નદીઓમાં છોડીને આપણા પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરી રહ્યા છે. આનાથી આપણું સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને ગંભીર નુકસાન થઈ રહ્યુ છે.આ મામલે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવા ઉદ્યોગકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે જ, આ પ્લાન્ટને શક્ય તેટલી જલ્દી શરૂૂ કરવા માટે પણ પગલાં લેવા જોઈએ.

બ્રાસ સિટીની ઝળહળતી છબી પાછળ છુપાયેલું પ્રદૂષણનું કાળું સત્ય
જામનગરનો જે બ્રાસ ઉદ્યોગ દેશ-વિદેશમાં બ્રાસ સિટી તરીકે ઓળખાય છે, તેની ઝળહળતી છબી પાછળ એક અંધારું સત્ય છુપાયેલું છે. તે શહેરમાં પર્યાવરણ પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે આવી છે. શંકર ટેકરી ફેઝ 1થી લઈને દરેડના ફેઝ 2 અને 4 સુધીના ઉદ્યોગો હવા, પાણી અને જમીનમાં ઝેરી પદાર્થો છોડી રહ્યા છે. આ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ઉદ્યોગોના એસોસિએશનના હોદ્દેદારો અને પ્રમુખો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. વર્ષોથી આ ઉદ્યોગો ધમધમી રહ્યા હોવા છતાં, તેઓ પર્યાવરણને થતા નુકસાન અંગે કોઈ પગલાં લેવા તૈયાર નથી. આમ, બ્રાસ સિટીની ઝળહળતી છબી પાછળ પ્રદૂષણનું એક કાળું સત્ય છુપાયેલું છે. દરેડ અને શહેરના શંકર ટેકરી ઉદ્યોગોમાંથી નીકળતો કાળો ધુમાડો અને લાખો લીટર કેમિકલ અને એસિડ વાળુ ઝેરી ગંદુ પાણી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યું છે.

પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિષ્ક્રિય
જામનગર શહેરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડાઓ મુજબ, જામનગર ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ છતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ સંપૂર્ણપણે નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. શહેર અને જિલ્લામાં સંચાલિત ઉદ્યોગો અને વાહનોમાંથી નિકાળવામાં આવતા ઝેરી વાયુઓને કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રદૂષણ બોર્ડ દ્વારા આવા ઉદ્યોગોની ક્યારેય કડક તપાસ કરવામાં આવતી નથી અને ન તો પર્યાવરણ સંરક્ષણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા હોય તેવું લાગે છે.જામનગરના નાગરિકોનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાયું છે. શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા, ત્વચાના રોગો જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પ્રદૂષણ બોર્ડે તાત્કાલિક પગલાં લેવા જરૂૂરી છે. શહેરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને પર્યાવરણ સંરક્ષણના નિયમોનું કડક પાલન કરાવવું જોઈએ.જો આ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો તો આવનારા સમયમાં જામનગરવાસીઓને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *