ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં અકસ્માત, લગ્નના બે માસ પહેલાં જ કાળ ભેટતા વિપ્ર પરિવારમાં શોકની લાગણી
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બુલેટ મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાલાવડ પીજીવીસીએલના કર્મચારી એવા આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે પાછળ બાઈકમાં બેઠેલા તેમના શાળા નો પગ ભાંગ્યો હોવાથી સારવાર હેઠળ છે. મૃતક યુવાનના બે મહિના બાદ લગ્ન યોજાયા હતા, જેને લઈને પરિવારજનોમાં કરુણાંતિકા છવાઇ છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે, કે કાલાવડ માં ટોડા સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા જયદીપભાઇ માધુભાઈ શુકલ (ઉંમર વર્ષ 25), કે જે પોતાના સાળા કાલાવડમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ સોલંકી (ઉમર 23) ને સાથે રાખીને જામનગરમાં આરટીઓનુ કામકાજ હોવાથી પોતાનું બુલેટ લઈને જામનગર આવ્યા હતા. જેમાં જયદીપ ભાઈ ચલાવતા હતા, અને ભાર્ગવભાઈ પાછળ બેઠા હતા જેઓ બન્ને કાલાવડ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન સાંજે પોણાપાંચ વાગ્યાના અરસામાં જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પાછળ થી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 ટી.એક્સ. 9644 નંબરના ટ્રકના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બુલેટ મોટર સાયકલના ચાલક જયદીપભાઇને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં તેઓનું હેમરેજ જેવી ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જયારે પાછળ બેઠેલા તેમના સાળા ભાર્ગવભાઈને પગમાં ફેક્ચર થવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને જ્યાં તેઓનું ઓપરેશન હાથ ધરાયું છે.
આ બનાવ અંગે ભાર્ગવભાઈ સોલંકી એ પોલીસ ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝન ના એએસઆઇ બી.જી. ઝાલા બનાવના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને જયદીપભાઇના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃતક જયદીપભાઇ કે જેઓના આગામી 22,11,2025 ના રોજ લગ્ન યોજાયા હતા, જેનું બે માસ પહેલા જ મૃત્યુ નિપજતાં સમગ્ર પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.
