સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ શરૂ, બનાસકાંઠા ડિસ્ટ્રિકટ બેંકની ચૂંટણી જાહેર

ગુજરાતમાં લાંબા સમયથી અટકેલી સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ ધીરેધીરે યોજવાનું શરૂ કરાયું છે અને આજે બનાસકાંઠા જિલ્લા સહકારી બેંકની ચૂંટણી જાહેર થઇ છે. હવે રાજકોટ સહીત…

ગુજરાતમાં લાંબા સમયથી અટકેલી સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ ધીરેધીરે યોજવાનું શરૂ કરાયું છે અને આજે બનાસકાંઠા જિલ્લા સહકારી બેંકની ચૂંટણી જાહેર થઇ છે. હવે રાજકોટ સહીત રાજ્યની બાકીની જિલ્લા બેંકોની ચૂંટણી પણ જાહેર થવાની આશા જાગી છે.

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી બનાસ બેંક (બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક) ના સંચાલક મંડળની આગામી પાંચ વર્ષની મુદત માટે ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા 23 નવેમ્બર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જ્યારે 24 નવેમ્બરે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ 3 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 4 ડિસેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે આખરી ઉમેદવારોની યાદી તથા ચૂંટણી ચિહ્નો જાહેર કરવામાં આવશે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, 5 ડિસેમ્બરે સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. બનાસ બેંકની ચૂંટણીની તારીખો જાહેર થતા જ બનાસકાંઠાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ગતિવિધિઓ તેજ બની છે અને ગરમાવો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *