ગુજરાતમાં શિયાળાની ઋતુ જામવાની શરૂૂઆત વચ્ચે હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના ઠંડા પવનો ફૂંકાવાના કારણે છેલ્લા બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
22 નવેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો હતો. જોકે, ઠંડીના આ રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બેથી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશ: 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જેના કારણે ઠંડીનું જોર થોડું ઘટશે.
તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છનું નલિયા 11ઓઈ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બની રહ્યું છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ ઠંડીની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે, જ્યાં અમરેલીમાં લઘુત્તમ તાપમાન ગગડીને 12.8 ડીગ્રી પર પહોંચી ગયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી, પરંતુ ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી રહી હતી.
હવામાન વિભાગના અવલોકન મુજબ, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાનની વિવિધતા જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું રહ્યું છે, જેના કારણે વહેલી સવારે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પારો સામાન્યથી નીચો અથવા નોંધપાત્ર નીચો રહ્યો છે, જ્યારે કચ્છના અન્ય કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું પણ નોંધાયું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જળવાઈ રહ્યું છે.
હાલમાં ઉત્તર ભારત તરફ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ યથાવત છે, જેની સીધી અસર પવનની દિશા પર પડી રહી છે. નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે અને વરસાદ કે માવઠાની કોઈ શક્યતા નથી.
તદુપરાંત, આગામી સાત દિવસ માટે કોઈ પણ પ્રકારની હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન પણ રાજ્યના હવામાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના ન હોવાનું વિભાગે સ્પષ્ટ કર્યું છે. દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ અને તડકાને કારણે મહત્તમ તાપમાન સામાન્ય રહેશે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ યથાવત રહેશે.
