પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર, લાંબા સસ્પેન્સનો અંત

કાલે ફોર્મ ભરાશે અને શનિવારે મતદાન, એક જ ફોર્મ ભરાય તો કાલે સાંજે જ નવા અધ્યક્ષ મળી જશે, જગદીશ વિશ્ર્વકર્મા ફેવરિટ પ્રમુખની તાજપોષી બાદ દિવાળી…

કાલે ફોર્મ ભરાશે અને શનિવારે મતદાન, એક જ ફોર્મ ભરાય તો કાલે સાંજે જ નવા અધ્યક્ષ મળી જશે, જગદીશ વિશ્ર્વકર્મા ફેવરિટ

પ્રમુખની તાજપોષી બાદ દિવાળી પહેલા ફેરફારો થવાની શકયતા

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક અંગેના લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપ નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જાહેર કરી દીધો છે અને સંભવત: આવતીકાલે શુક્રવારે સાંજ સુધીમાં ભાજપના બિનહરીફ પ્રમુખનું નામ જાહેર કરી દેવામાં આવશે અને જો એકથી વધુ ઉમેદવારો પ્રમુખપદની ચૂંટણી ઝુકાવે તો શનિવારે 10 થી 11 મતદાન થશે અને 11 વાગ્યે મતગણતરી બાદ નવા ચુંટાયેલા પ્રમુખનું નામ જાહેર થશે. જો કે, જે નામ નક્કી થયું છે તે જ નેતા પ્રમુખપદની ચૂંટણી માટે આવતીકાલે શુક્રવારે ફોર્મ ભરશે અને બપોરબાદ તેજ નામ બિનહરીફ જાહેર કરવામાં આવે તેવી શકયતા વધુ છે.

હાલ પ્રમુખ પદ માટે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આમ છતાં અન્ય નામો અંગે અનુમાનો અને અટકળો થઈ રહ્યા છે. શંકર ચૌધરી, મયંક નાયક, બાબુભાઈ જેબલીયા, અર્જુનસિંહ ચૌહાણના નામો પણ ચર્ચામાં છે.

પ્રદેશ પ્રમુખની ચૂંટણીના પગલે ભાજપ દ્વારા તમામ શહેર-જિલ્લા પ્રમુખો, કારોબારી સભ્યો, પ્રદેશ મોરચાના પ્રમુખો, ડેલિગેટસ સહિતના મતદારોને આવતીકાલે ગાંધીનગર પહોંચવા જણાવી દેવામાં આવ્યું છે અને ભાજપના કોબાસ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે સમિયાણાનું બાંધકામ પણ શરૂ કરી દેવાયું છે.

નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ તુરંત જ મંત્રી મંડળમાં પણ ફેરફારો થઈ રહ્યાનું જાણવા મળે છે. મંત્રી મંડળના દાવેદારોને શનિવારથી દિલ્હી બરબારમાં બોલાવવાનું શરૂ કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય નેતાઓ સમક્ષ રોજ 4-5 ધારાસભ્યોને રૂબરૂ બોલાવ્યા બાદ દિવાળી સુધીમાં મંત્રી મંડળમાં પણ ફેરફાર કરી દેવામાં આવશે તેવું મનાય છે.

પ્રદેશ પ્રમુખની ચૂંટણીનું સમયપત્રક ખૂબ જ ઝડપી રાખવામાં આવ્યું છે. નોટિફિકેશન મુજબ, 3 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરવાની, ફોર્મની ચકાસણી કરવાની અને ઉમેદવારી પાછી ખેંચવાની તમામ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવાર હોય તો, 4 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે મતદાન યોજાશે, જેમાં 224 મતદારો (પ્રદેશ ભાજપના પ્રતિનિધિઓ) પોતાનો મત આપશે. જોકે, એવી પ્રબળ સંભાવના છે કે માત્ર એક જ ઉમેદવાર ફોર્મ ભરશે. જો તેમ થશે, તો 3 ઓક્ટોબરના રોજ જ નવા પ્રમુખનું નામ જાહેર થવાનો અંદાજ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અને પ્રદેશ ભાજપના આંતરિક માળખા અનુસાર, પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના મોવડીમંડળ દ્વારા એક જ નામ પર સહમતી સધાયેલી છે. આ કારણે જ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલું સમયપત્રક ભલે બે દિવસનું હોય, પરંતુ એવી શક્યતા વધુ છે કે 3 ઓક્ટોબરના રોજ જ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી દેવામાં આવશે. જો એક જ ઉમેદવાર ફોર્મ ભરશે તો, આવતીકાલે જ ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે. આ નવા નેતૃત્વ પર આગામી સ્થાનિક અને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં પક્ષને વધુ મજબૂત બનાવવાની મોટી જવાબદારી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *