મતદાર યાદી સુધારણામાં ચૂંટણી પંચની પોલી ખુલી: કરોડો બોગસ નામ ઘુસી કેવી રીતે ગયા?

ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ એ સાથે જ બબાલનાં ઘર મંડાણાં છે કેમ કે ડ્રાફ્ટ યાદીમાં જૂની મતદાર યાદીમાંથી 2.89…

ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ એ સાથે જ બબાલનાં ઘર મંડાણાં છે કેમ કે ડ્રાફ્ટ યાદીમાં જૂની મતદાર યાદીમાંથી 2.89 કરોડ નામ કાપી નાંખવામાં આવ્યાં છે. ડ્રાફ્ટ યાદી પહેલા રાજ્યમાં 15.44 કરોડ મતદારો હતા જ્યારે ડ્રાફ્ટ યાદીમાં 12.55 કરોડ મતદારોના નામ છે. વિપક્ષોએ દેકારો શરૂૂ કરીને આક્ષેપ કર્યો છે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ના બહાને ચોક્કસ વર્ગના મતદારોનાં નામ કાઢી નંખાયાં છે. આ ચોક્કસ વર્ગ એટલે મુસ્લિમો એવું કહેવાની જરૂૂર નથી. કોંગ્રેસે તો આખી પ્રક્રિયાને મોટું કાવતરું ગણાવીને તપાસની માગ પણ કરી નાંખી છે. કોંગ્રેસનું કહેવું છે કે, યુપીમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને 1.13 કરોડ મતદારોને અપાયેલાં ફોર્મ પાછાં કેમ નથી આવ્યાં તેની તપાસ કરવી જરૂૂરી છે.

સમાજવાદી પાર્ટીએ પણ તેમાં સૂર પુરાવ્યો છે કેમ કે, આ બહાને મુસ્લિમોને રાજી કરવાનો મોકો મળશે. સપાનો આક્ષેપ છે કે, ચૂંટણી પંચ ભાજપનું પાલતુ બનીને વર્તી રહ્યું છે ને ભાજપને ફાયદો કરાવવા માટે આખો ખેલ કરી રહ્યું છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો પહેલેથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ને શંકાસ્પદ ગણાવી રહ્યાં છે તેથી તેમના આક્ષેપોમાં નવું કશું નથી પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)માં જે રીતે લાખોની સંખ્યામાં મતદારોનાં નામ કમી થઈ રહ્યાં છે તેના કારણે આખો મામલો શંકાસ્પદ તો બની જ ગયો છે. અત્યારે યુપીની ડ્રાફ્ટ યાદી બહાર પડી તેથી યુપી ચર્ચામાં છે પણ જે પણ રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યાં બધે લાખોની સંખ્યામાં મતદારો ઘટ્યા છે એ એ જોતાં ચૂંટણી પંચની ખોરી દાનતની સાથે સાથે અત્યાર લગી શું કરતું હતું એ સવાલ પણ ઉઠે છે. યુપીમાં જૂની મતદાર યાદીના 18.72 ટકા મતદારોનાં નામ નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી.

મતલબ કે, દર 100 માંથી 19 મતદારોના નામ ઊડી ગયાં છે. જેમનાં નામ નથી એવા 2.89 કરોડ મતદારોમાંથી 46.23 લાખ મૃત્યુ પામ્યા છે તેથી તેમના વિશે શંકા ના કરી શકાય પણ 25.47 લાખ ડુપ્લિકેટ અથવા નકલી મતદારો હતા એવું બહાર આવ્યું છે. બીજી તરફ 2.17 કરોડ મતદારોનું શું થયું એ વિશે તો કોઈ સ્પષ્ટતા જ નથી. જો કે મોટો સવાલ એ છે કે, આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો આવી ગયા તો ચૂંટણી પંચ શું કરતું હતું? મતદાર યાદીઓ બનાવવાનું કામ ચૂંટણી પંચનું છે પણ પંચે ધ્યાન ના રાખ્યું તેમાં બોગસ મતદારો ઘૂસી ગયા. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર) ના કારણે ભારતની સિસ્ટમની એક બહુ મોટી ખામી તરફ આખી દુનિયાનું ધ્યાન ગયું છે. ભારતમાં મતદાર બનવા માટે નાગરિક હોવું જરૂૂરી છે પણ ભારતમાં નાગરિકતા માટે સિંગલ ડોક્યુમેન્ટ જ નથી તેની આ બધી મોંકાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *