બન્ને ભાઇઓ કોલકાતા કોર્પોરેશનના વોર્ડ નંબર 93ના મતદારો છે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે સમય સારો ચાલી રહ્યો નથી. એક તરફ શાનદાર પ્રદર્શન છતાં તેમને ન્યુઝીલેન્ડ સામેની ઓડીઆઇ સીરીઝ માટે ટીમમાં સ્થાન નથી મળ્યું, તો બીજી તરફ હવે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવતા મુશ્કેલીમાં વધારો થયો છે.
ચૂંટણી પંચે શમી અને તેના નાના ભાઈ મોહમ્મદ કૈફને SIR સુનાવણી માટે સમન્સ પાઠવ્યા છે. આ મામલો કોલકાતાના મતદાર લિસ્ટ અને વસ્તી ગણતરી ફોર્મમાં જોવા મળેલી ક્ષતિઓ સાથે જોડાયેલો છે.
મળતી માહિતી મુજબ, મોહમ્મદ શમી અને તેનો ભાઈ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 93 ના મતદારો છે, જે રાસબિહારી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. ચૂંટણી પંચની તપાસ દરમિયાન શમી અને કૈફના વસ્તી ગણતરી ફોર્મમાં કેટલીક વિસંગતતાઓ અને ડેટા મેપિંગમાં ટેકનિકલ ખામીઓ સામે આવી છે. આ ક્ષતિઓને સુધારવા અને સ્પષ્ટતા મેળવવા માટે ચૂંટણી પંચે બંને ભાઈઓને સુનાવણી માટે બોલાવ્યા છે.
શમી અને તેના ભાઈને આજે એટલે કે 5 જાન્યુઆરી, 2026 ના રોજ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, બંને ભાઈઓ હાલમાં વિજય હજારે ટ્રોફીમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. શમીએ પોતાની ક્રિકેટિંગ પ્રતિબદ્ધતાઓ અંગે ચૂંટણી પંચને પત્ર લખીને જાણ કરી હતી. પંચે તેમની વિનંતી સ્વીકારી છે અને હવે સુનાવણીની તારીખ બદલીને 9 થી 11 જાન્યુઆરી વચ્ચે રાખવામાં આવી છે.
