રૂપાવટી ગામના વૃદ્ધા દીકરીની ખબર કાઢવા જવા વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે કારચાલક અડફેટે લઇ નાશી છૂટ્યો
શહેરની ભાગોળે રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલા હિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેરના રૂપાવટી ગામે રહેતા વૃદ્ધા દિકરીની ખબર કાઢવા જવા એરપોર્ટ નજીક હાઇવે પર વાહનની રાહ જોઇ ઉભા હતા. ત્યારે અજાણી કારનો ચાલક હડફેટે લઇ નાશી છૂટતા ગંભીર રીતે ધવાયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનુ મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર રૂપાવટી ગામે રહેતા રૂડીબેન હરજીતભાઇ રાઠોડ (ઉ.વ.80)નામના વૃદ્ધા આજે સવારે વાંકાનેર રહેતા તેમના દિકરી વાલીબેનની ખબર કાઢવા જવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતા અને હિરાસર એરપોર્ટ પાસે ઉભા હતા ત્યારે અજાણયો કાર ચાલક વૃદ્ધાને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. આ અકસ્માતમાં વૃદ્ધાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ કુવાડવા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનુ મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકી સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણયા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા અને તેની શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે.
