આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક હરસિધ્ધી પાર્ક-3 આરતી ઇન્ડસ્ટ્રીઝ રોડ પર શક્તિ હોટલ પાછળ રહેતાં જેશાભાઇ અમરશીભાઇ ધરજીયા (ઉ.વ.60) નામના વૃધ્ધ ઘર નજીક વિનાયક માઇક્રો કારખાના સામે આવેલા વિજથાંભલા પર મોડી રાતે રાંઢવું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં શોક છવાઈ ગયો છે.બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એચ. એમ. ધરજીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા જેશાભાઇ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ હતાં.
હાલ નિવૃત જીવન જીવતા હતાં. તે બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. જેશાભાઇ ઘરેથી નીકળા તે પહેલા મોબાઇલ તેમના ઘરે મુકીને ગયા હતા . ફેફસાની બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. રાતે ઘરના લોકો સુઇ ગયા બાદ તેઓ ઘરેથી રાંઢવુ લઇને નીકળ્યા હતાં અને આ પગલુ ભરી લીધું હતું. બનાવથી વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી.
જયારે બીજી ઘટનામા વાંકાનેરના કોટડાનાયાણીના વતની અને હાલ કાગદડી ગામે માધવ હોટલ પાછળ વાડી વિસ્તારમાં ઝૂપડા બાંધીને રહેતાં અમરશીભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.65) નામના વૃધ્ધ 21મીએ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોડી રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો આપઘાત કરનારા અમરશીભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને છુટક ફ્રુટનો ધંધો કરતાં હતાં.
સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. સગાએ કહ્યું હતું કે અમરશીભાઇના એક બાવીસ વર્ષના દિકરા વાલાભાઇનું એક મહિના પહેલા જ બિમારીથી મૃત્યુ થયું હતું. આ દિકરાના વિયોગમાં અને પોતાને કેન્સરની અસર થઇ હોઇ તેના કારણે કંટાળીને તેમણે આ પગલુ ભરી લીધુ હતું.
