જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા રેન્જ આઇજીની ટીમનું ઓપરેશન
સૌરાષ્ટ્રમાં ગુના આચરી ફરાર થયેલા વોન્ટેડ આરોપીઓને પકડી જેલ ભેગા કરવા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સુચના આપવામાં આવી હોય, રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં તેમજ અન્ય વિસ્તારોમાં ગંભીર ગુનાઓ આચરી લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈજીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી વિભિન્ન ઓપરેશન્સ હાથ ધરીને કુલ 8 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
જામનગર જિલ્લાના પંચકોષી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુના છેલ્લા એક વર્ષથી ફરાર અજય સુરપાલ અજનાર અને વિજય બચકાભાઇ વાસ્કેલને રેન્જની ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની ખાતેથી ઝડપી લઇ જામનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.
જયારે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂૂના ગુનામાં અગાઉ પકડાઇ ચુકેલ અને રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપી આસીફ ઇકબાલભાઇ અબ્બાસી (રહે. ઝેઝરીગામ, પાટડી)ને ચોક્કસ બાતમીના આધારે માલવણ હાઇ-વે પર વાસાડવા ગામના પાટીયા પાસેથી ઝડપાયો હતો. તેને પકડી પાડી ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપ્યો છે અને આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી છે.
ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા હથિયાર બતાવી મારામારી કરવાના, રાયોટિંગ તથા એટ્રોસિટી એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા-ફરતા 4 આરોપીઓને રેન્જ ટીમે માનપર ગામની સીમમાં આવેલી તેમની અલગ-અલગ વાડીઓ પરથી ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીઓમાં હેમંત ગોકળભાઇ અગોલા , સુરેશ જાદવભાઇ અગોલા , જસમત લાભુભાઇ અગોલા , ગણપત ભાથાભાઇ પનારાને આગળની કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ આચરતી કુખ્યાત “કાળીયા ગેંગ” ના સક્રિય સાગરીત અને ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના અંતર્ગત ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ વોન્ટેડ આરોપી ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા (વાજેલીયા) (ઉ.વ. 23, રહે. વાસાવડ, ગોંડલ) ને ટીમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ખારચીયા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ સફળ કામગીરીના કારણે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ની સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા,પી.એ.ચૌહાણ, સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, નિકુલભાઇ પંપાણીયા અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહત્વની કામગીરી કરી હતી.
