કનેક્ટિવિટીના ધાંધિયા યથાવત, ધિરાણ-વેચાણ-વારસાઈ નોંધના કામ અટક્યા
રાજ્યમાં મહેસૂલને લગતી મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે ત્યારે કલેક્ટર કચેરીમાં પણ ઓનલાઇન કામગીરી તેમજ વિવિધ નકલો મેળવવાની કામગીરી જનસેવા કેન્દ્રો તથા ઇ- ધરામાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સર્વરમાં ખામી સર્જાવાને કારણે જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ધક્કા ખાવાની નોબત આવી છે.
એટલું જ નહીં ઇ- ધરા કેન્દ્રોમાંથી 7-12 અને 8-અના ઉતારાની નકલો પણ બંધ છે જેના કારણે ખાતેદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં કામ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સર્વરની ખામી ક્યારે દૂર થશે તે પણ નક્કી નહીં હોવાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.મહેસૂલી બાબતોને લઈને તમામ પ્રકારની કામગીરી તેના દસ્તાવેજી પૂરાવાને આધારે કરવામાં આવતી હોય છે. જમીન સંબધીત કામોમાં તેના ખાતેદારો તેમજ ઉતારાની ખરાઈ કરીને અધિકારીઓ દ્વારા પણ મંજૂરી સંબધીત કામગીરી કરાતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર તેમજ જિલ્લાની અન્ય કચેરીઓ ખાતે સર્વરની સમસ્યા હોવાથી મોટાં ભાગના મહેસૂલી કામો અટકી પડ્યાં છે. છેલ્લા 3 દિવસથી સર્વરની સમસ્યાને કારણે જમીન લે-વેચ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલાં લોકોને તકલીફ વેઠવી પડી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટેકનિકલ ખામીને કારણે રાજકોટ સહિત રાજ્યભરના ઈ-ધારા કેન્દ્રો પર સર્વર કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. સામાન્ય રીતે ખેડૂતોને ધિરાણ, વેચાણ કે વારસાઈ માટે જરૂૂરી એવા જમીનના દસ્તાવેજો મેળવવા માટે આ પોર્ટલ ખૂબ જ અનિવાર્ય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને ભારે પરેશા થઈ રહ્યા છે.
