જિલ્લા કલેક્ટર તંત્રની ગતિશિલ કામગીરી, એક જ માસમાં 33 આંગણવાડીને જમીન ફાળવાઇ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરાઈ રહ્યું છે. આ સાથે વહીવટી પ્રક્રિયાને ગતિશીલ બનાવીને માળખાકીય સુવિધાઓના…

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરાઈ રહ્યું છે. આ સાથે વહીવટી પ્રક્રિયાને ગતિશીલ બનાવીને માળખાકીય સુવિધાઓના કામોને વેગ અપાઈ રહ્યો છે. કલેક્ટરના નિર્દેશ અને માર્ગદર્શનમાં છેલ્લા એક માસમાં જિલ્લાની 33 આંગણવાડીઓને જમીન ફાળવવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં વિવિધ આંગણવાડીઓના જમીનનો પ્રશ્ન જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના ધ્યાને આવ્યો હતો. આથી તેમણે વિવિધ પ્રાંત અધિકારીઓને આંગણવાડીઓને વહેલીતકે જમીન ઉપલબ્ધ કરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવા નિર્દેશ આપ્યો અને આ પ્રશ્નો સત્વરે નિકાલ લાવવા સૂચના આપી હતી.

આ સાથે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના સીધા માર્ગદર્શન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, સ્થાનિક સ્તરે પ્રાંત અધિકારીઓના સક્રિય સહયોગ અને આઈ.સી.ડી.એસ.ના વિવિધ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી મિશન મોડમાં કામગીરી કરીને આંગણવાડીની જમીન અંગેની સમસ્યાનું માત્ર એક જ મહિનામાં નિરાકરણ લાવવામાં આવ્યું છે. તંત્રના સઘન પ્રયાસોના પરિણામે જિલ્લાના કુલ 33 આંગણવાડી કેન્દ્રોને જમીન ફાળવવામાં આવી છે.

આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારી નાગાજણ તરખલાએ વિશેષ કવાયત હાથ ધરીને આંગણવાડી 22 કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે જસદણ તાલુકામાં પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા દ્વારા અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીનવિહોણા 10 કેન્દ્રોમાંથી 6 કેન્દ્રો માટે જમીન ફાળવવામાં આવી છે.

જેતપુર તાલુકામાં અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીન વિહોણા 05 કેન્દ્રોમાંથી 4 કેન્દ્રો માટે જ્યારે ગોંડલ તાલુકામાં અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જમીન વિહોણા એક આંગણવાડી કેન્દ્ર માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ 38માંથી 33 આંગણવાડી કેન્દ્રો માટે જમીન ઉપલબ્ઘ થતાં સુવિધાજનક આંગણવાડીઓના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જ્યારે બાકી રહેલા માત્ર 05 કેન્દ્રો માટે પણ વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા હાલ ગતિમાન છે. જિલ્લા વહીવટી તંત્રની આ લોકાભિમુખ અને ત્વરિત કામગીરીને સ્થાનિક રજૂઆતકર્તાઓ અને ગ્રામજનોએ વધાવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *