જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે હેતુથી રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે.
ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રોપ-વેની ટિકિટના ભાવમાં રૂૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે ટિકિટનો દર રૂૂ. 699 હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરને કારણે 11થી 15 ફેબ્રુઆરી સુધી સામાન્ય શ્રદ્ધાળુઓના ખિસ્સા પરનો બોજ ઘટશે.
ટિકિટ દરમાં કરવામાં આવેલો આ ઘટાડો મર્યાદિત સમય માટે અમલી રહેશે. આગામી તારીખ 11થી 15 ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ સુધી આ ઘટાડેલા ભાવ લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ શકશે.
મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનારની સીડીઓ ચઢવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. જ્યારથી રોપ-વે શરૂૂ થઈ છે, ત્યારથી ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રોપ-વેની આશરે 10 મિનિટની સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહી છે. પ્રવાસીઓ ઊંચાઈએથી પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય માણવા ગિરનાર આવી રહ્યા છે.
